રિપોર્ટ@સુરત: ભારે વરસાદના કારણે 1 ઓગસ્ટે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાદ વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદથી સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે. 31 જુલાઈએ સવારથી જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અને ભેદવાડ ખાડી પણ ઓવરફ્લો થઈ ચૂકી છે. શહેરના VIP રોડ, પાંડેસરા, કતારગામ અને ડભોલી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે. લિંબાયતમાં રોડ પર ભૂવો પડતા બેરીકેડિંગ કરવામાં આવ્યું છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા જિલ્લાના તમામ કારખાનાઓ બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે. જ્યારે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત માટે રવાના કરી દેવામાં આવી હતી. જ્યારે એક ઑગસ્ટ એટલે કે આવતીકાલે પણ તમામ સ્કૂલ, કૉલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચ્યા હતા અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદની ગંભીરતાને જોતાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. આજનો આખો દિવસ અને રાત્રે પણ અતિભારે વરસાદની આગાહી હોવાથી લોકો જ્યાં હોય ત્યાં સુરક્ષિત સ્થળે જ રહે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે.

