રિપોર્ટ@સુરત: લિંબાયતમાં એક કલાકમાં સાડાચાર ઇંચ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયાં છે.
 
રિપોર્ટ@સુરત: લિંબાયતમાં એક કલાકમાં સાડાચાર ઇંચ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લિંબાયતમાં એક કલાકમાં સાડાચાર ઇંચ અને 3 કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરના રાજુનગર પોલીસચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયાં છે. અન્ય વિસ્તારોમાં પણ એક ઇંચથી બે સુધીનો વરસાદ પડ્યો, જોકે ડુમસ તરફ વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી.

હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી, જે મુજબ સુરત, વડોદરા અને ભરૂચમાં મેઘમહેર જોવા મળી છે. સવારના 6થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં સરેરાશ સૌથી વધુ ભરૂચના વાગરામાં 3.78 ઈંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરના સંખેડામાં 1 મિમી વરસાદ નોંધાયો છે.  છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારામાંથી અકળાતા લોકોને વરસાદ પડતાં રાહત મળી છે, પરંતુ કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સવારના બફારા અને ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના પિપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, અને સિટીલાઈટ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો, જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનચાલકોને વરસાદ બંધ થાય ત્યાં સુધી રસ્તાની બાજુમાં થોભી જવાની ફરજ પડી હતી.

ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડી ગયાં હતાં, જેથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.