રિપોર્ટ@સુરત: હોટેલમાં પ્રેમિકા સાથે ગયેલા યુવકનું રહસ્યમય મોત, મોતનું કારણ 'ખેંચ' કે કંઈક બીજું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતની હોટેલમાં પ્રેમિકા સાથે ગયેલા યુવકનું રહસ્યમય મોત નીપજ્યું હતુ. સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો 28 વર્ષીય યુવક વિનેશ વિક્રમભાઈ પટેલ પોતાની પ્રેમિકા સાથે ડિંડોલીના જી-નાઈન કોમ્પ્લેક્સમાં આવેલી વેલેન્ટાઈન હોટલમાં ગયો હતો. બપોરે અંદાજે 3:30 વાગ્યાના અરસામાં હોટલના રૂમમાં જ અચાનક વિનેશની તબિયત લથડી હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં યુવક ઢળી પડતા પ્રેમિકા ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી.
ઘટનાની ગંભીરતા જોઈ વિનેશની પ્રેમિકાએ તુરંત તેના ભાઈ સમીરને ફોન કરીને જાણ કરી હતી. ભાઈ સમીર અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક હોટલ પર પહોંચી હતી. જોકે, એમ્બ્યુલન્સના પેરામેડિકલ સ્ટાફે તપાસ કરતા વિનેશના શરીરમાં કોઈ હલચલ જણાતી નહોતી. પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે અને હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
ડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે. મૃતક વિનેશ અને તેની સાથે હોટલમાં હાજર યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ જાણવા મળતી વિગત મુજબ પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર નહોતા.
વિનેશના મોતના કારણ અંગે અત્યારે રહસ્ય ઘેરાયું છે. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકને 'ખેંચ' આવી હોવાનું અને તેના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. જોકે, હોટલના રૂમમાં અચાનક તબિયત કેવી રીતે બગડી અને મોઢામાંથી ફીણ કેમ નીકળ્યા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
સમગ્ર મામલે ડિંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળ એટલે કે હોટલના રૂમની તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. આ ઉપરાંત, વિનેશની પ્રેમિકા અને તેના ભાઈ સમીર સહિત પરિવારના અન્ય સભ્યોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં હોટલના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

