રિપોર્ટ@સુરત: વિપક્ષે નાઇટ ફૂડ બજારમાં રેડ કરતાં ગંદકીથી ખદબદતા રેસ્ટોરાંમાં કાંદા-કોબી-બટાકા-ટામેટાં સડેલા મળ્યા

શાકભાજી કચરા પેટી પાસે જ મુકાયાં હતાં. પનીર ટીક્કાના સળિયા પર ધૂળ જામી હતી તો વાસી મંચુરિયન પીરસાતા હતા. આ ઉપરાંત શાકની ગ્રેવી કૂતરાં સૂંધી જતાં હોવાનું ધ્યાને આવ્યું હતું.
 
રિપોર્ટ@સુરત: વિપક્ષે નાઇટ ફૂડ બજારમાં રેડ કરતાં ગંદકીથી ખદબદતા રેસ્ટોરાંમાં કાંદા-કોબી-બટાકા-ટામેટાં સડેલા મળ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીક વાર વિભાગ રેડ કરતુ હોય છે. શહેરના એકમાત્ર નાઇટ ફૂડ બજારનું ગૌરવ લેતી પાલિકાના દિવા તળે અંધારું જેવો ઘાટ છે. વિપક્ષે નાઇટ ફૂડ બજારમાં જનતા રેડ કરતાં ગંદકીથી ખદબદતા રેસ્ટોરાંમાં કાંદા-કોબી-બટાકા-ટામેટાં સડેલા મળી આવ્યા હતા. વળી, શાકભાજી કચરા પેટી પાસે જ મુકાયાં હતાં. પનીર ટીક્કાના સળિયા પર ધૂળ જામી હતી તો વાસી મંચુરિયન પીરસાતા હતા. આ ઉપરાંત શાકની ગ્રેવી કૂતરાં સૂંધી જતાં હોવાનું ધ્યાને આવ્યું હતું.

શાકભાજી બિનઆરોગ્યપ્રદ હોવાનું ઝડપાયું હોવાથી સફાળે જાગેલું ફૂડ ખાતુ દોડતું થઈ ગયું હતું. વિપક્ષે ગંદકીથી ખદબદતાં ફૂડ બજારના રેસ્ટોરાંને સીલ મારવાની માંગ કરી હતી, પરંતુ સ્થળ પર દોડી આવેલા ફૂડ ખાતાએ વાત નહીં માની ઢાંકપીછોડો કરતી રહી હતી. જોકે, ફૂડ ખાતાના ઇન્સ્પેક્ટરોને રેસ્ટોરામાં લઈ જઈ ગંદકી સડેલા શાકભાજી બતાવાયા હતાં ત્યારે માત્ર નોટીસ આપી દંડનીય કાર્યવાહી જ કરી હતી. લોકોના આરોગ્ય જોખમાય તે પ્રકારના આરોગ્ય ખાતા હસ્તકના સ્થળ પર ગયેલા ફૂડ ઇન્સ્પેક્ટરોના વલણ વર્તનથી સૌ ચોંકી ગયા હતાં.

વિપક્ષ નેતા પાયલ સાંકરિયાએ કહ્યું કે, પીપલોદ નાઇટ ફૂડ કોર્ટ મિલકત બિસમાર અને અસ્વચ્છતાની ફરિયાદ મળતાં શુક્રવારે અમે ફૂડકોર્ટમાં આકસ્મિક મુલાકાત લીધી હતી, જેમાં પારાવાર ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ, દુર્ગંધયુકત ખાધપદાર્થોના વેચાણ તેમજ સ્ટોરેજ જણાયું હતું. કચરાપેટી પાસે શાકભાજી મૂકાતા હતાં. ફૂડ કોર્ટની ભયાનક દુર્દશા જણાતા તાકીદે તમામ દુકાનો પર વેચાતા ફૂડની લેબ ચકાસણી કરી સમયાંતરે તપાસ કરવાનો આદેશ કરવા કમિશનરને પત્ર આપ્યો છે.

નાઇટ ફૂડ બજારમાં વિપક્ષે ફૂડ ખાતાની પોલ ખુલ્લી પાડતાં જ નાક બચાવવા દોડતા થયેલા અધિકારીઓએ 13 સ્ટોલ પર ચેકિંગ કરી નોટિસ ફટકારી હતી. ગંદકી અને અખાધ્ય વાનગી પિરસાતી હોય 70 કિલો અખાધ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. જો કે, વિપક્ષની સ્ટોલ્સ સીલ મારવાની માંગને ઇનચાર્જ ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર બી.કે. પટેલે નહીં ગણકારી સ્ટોલધારકોને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.