રિપોર્ટ@સુરતઃ જર્જરિત મકાનનો સ્લેબ તૂટતા માલિકનું મોત, જાણો સમગ્ર ઘટના વિશે

ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરના અત્યંત વ્યસ્ત અને ઐતિહાસિક એવા ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં આજે એક હૃદય કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલું વર્ષો જૂનું એક ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાનનો પ્રથમ માળનો ભારેખમ સ્લેબ તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા ભાગદોડ કરવા લાગ્યા હતા. કાટમાળમાં 75 વર્ષના વૃદ્ધ દટાઈ જતા ફાયર વિભાગ એ ઘટના સ્થળે દોડી જઈને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ જર્જરિત મકાન ભરતભાઈ દલાલનું જ હતું, જેઓ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાની દવાની દુકાન ચલાવતા હતા. મકાનનો ઉપરનો માળ લાંબા સમયથી અત્યંત જર્જરીત હાલતમાં હતો. આજે રોજિંદા ક્રમ મુજબ ભરતભાઈ પોતાની દુકાનમાં બેઠા હતા, ત્યારે જ ઉપરનો સ્લેબ કાળ બનીને નીચે ચાલતી દવાની દુકાન પર કડાકાભેર તૂટી પડ્યો હતો.

અચાનક બનેલી આ ઘટનામાં મકાનનો સમગ્ર કાટમાળ નીચે આવેલી દવાની દુકાન પર પડતા આખી દુકાન કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. દુકાનમાં હાજર 75 વર્ષીય વૃદ્ધ ભરતભાઈ દલાલ કાટમાળના મોટા પથ્થરો અને સ્લેબ નીચે ગંભીર રીતે દબાઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈ આસપાસના વેપારીઓ અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.

ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરીને કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું. ભારે જહમત બાદ કાટમાળ નીચે દબાયેલા ભરતભાઈને બહાર કાઢવામાં આવ્યા હતા અને સ્થળ પર હાજર 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈને સ્મીમેર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ કરૂણ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે ભાગળ વિસ્તારના સ્થાનિક વેપારીઓમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

ફાયર ઓફિસર બલવંતસિંહ જણાવ્યું હતું કે, ફાઈલ કંટ્રોલમાંથી જાણ કરવામાં આવતા જ અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગ્રાઉન્ડ ફોર ઉપરનો જે પહેલા માલનો સ્લેબ હોય છે તે આખો નીચે પડી ગયો હતો. જે દુકાનની અંદર રહેલા વૃદ્ધ તેમાં સંપૂર્ણ દટાઈ ગયા હતા. માત્ર તેના પગ જ બહાર હતા. ગણતરીની મિનિટોમાં જ ઉપર નો કાટમાળ હટાવીને વૃદ્ધને બહાર કાઢ્યા હતા અને સૌથી પહેલા તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા. ગ્રાઉન્ડ પ્લસ એક માળનું આ મકાન ખૂબ જ જર્જરીત છે. આસપાસમાં પણ મકાનો જર્જરિત હોવાથી તમામ ખાલી કરી દેવામાં આવ્યા છે પણ આ એક મકાનમાં જ દવાની દુકાન ચાલતી હતી અને તે વૃદ્ધ ચલાવતા હતા.

75 વર્ષીય મૃતક ભરતભાઈ હસમુખભાઈ દલાલ અડાજણ વિસ્તારમાં આવેલી શિવ શક્તિ રો હાઉસમાં પરિવાર સાથે રહેતા હતા. ભાગળ ખાતે આવેલા ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દવાની દુકાન ચલાવતા હતા. વર્ષોથી દવાની દુકાન ચલાવતા હતા અને એ દુકાનમાં જ તેમનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.