રિપોર્ટ@સુરત: કામરેજમાં પરિણીતા પાંચમાં માળેથી અચાનક પટકાઈ, જાણો સમગ્ર ઘટના

આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, 
 
રિપોર્ટ@સુરત: કામરેજમાં પરિણીતા પાંચમાં માળેથી અચાનક પટકાઈ, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાંથી એક હદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે.સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં કર્મેશ્વર શોપિંગ સેન્ટરના પાંચમા માળેથી એક 27 વર્ષીય પરિણીતાએ પટકાઈ હતી. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. મહિલાઓ આપઘાતનો પ્રયાસ કર્યાંનું પોલીસે અનુમાન લગાવ્યું છે.

મળતી માહિતી મુજબ, સોનલબેન સચિનભાઈ પટેલ નામની પરિણીતા કામરેજ ચાર રસ્તા પર આવેલા કર્મેશ્વર શોપિંગ સેન્ટરના પાંચમા માળેથી પટકાઈ હતી. મહિલા નીચે પટકાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઊંચાઈ પરથી પડવાને કારણે સોનલબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મહિલા ઉપરથી નીચે પટકાતી જોઈ શકાય છે.

બીજી તરફ આ મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જોકે, મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાની જાણ થતા જ કામરેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ આ કેસની તપાસ PSI કે. એન. ગામીત દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ બાદ જ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે.

કામરેજ પોલીસ મથકના પીઆઈ એ. ડી ચાવડાએ જણાવ્યું હતું કે, એક મહિલા પાંચમાં માળેથી પટકાઈ હોવાની માહિતી મળતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. મહિલા હાલ હોસ્પિટલમાં દાખલ છે. પ્રાથમિક તપાસમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન છે. CCTV ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યાં છે. મહિલા સંપૂર્ણ ભાનમાં આવ્યા બાદ જ ચોક્ક્સ કારણ જાણવા મળશે.