રિપોર્ટ@સુરત: 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી રહ્યા છે.2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી॰ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.
ધોધમાર વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વેસુ, અઠવા, અડાજણ, કતારગામ અને વરાછા જેવા મુખ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને અડાજણ સર્કલ પાસે તો પાણી એટલું ભરાયું હતું કે, બાઇક અડધી ડૂબી ગઈ હતી.
વરસાદની સાથે જ વિઝિબિલિટી એટલે કે દૃશ્યતા પણ ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનો પાણી ભરાવાને કારણે બંધ પડી ગયા હતા. જેના પરિણામે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. કામકાજ માટે બહાર નીકળેલા લોકો પણ રસ્તામાં જ અટવાઈ ગયા હતા. ટ્રાફિકજામના દ્રશ્યો ઠેર-ઠેર જોવા મળ્યા હતા અને ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવનને પણ અસર થઈ હતી.