રિપોર્ટ@સુરતઃ તસ્કરો 30 લાખથી વધુની ચોરી કરી રફુચક્ક, સમગ્ર પંથકમાં ચકચાર

પાંડેસરાના ગીતા નગર ખાતે આવેલી ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે.પાંડેસરામાં જ્વેલર્સની દુકાનમાંથી ₹30 લાખની ચોરી ફરાર સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ તસ્કરો દિન-પ્રતિદિન બેફામ બની રહ્યા છે. રાત્રિના સમયે બંધ દુકાનો અને મકાનોને ટાર્ગેટ કરતી ગેંગે આ વખતે પાંડેસરા વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. પાંડેસરાના ગીતા નગર ખાતે આવેલી ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના મળી અંદાજે 30 લાખથી વધુની ચોરી કરી રફુચક્કર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, આ ચોરીની ઘટના રાત્રિના આશરે 2 વાગ્યાના અરસામાં બની હતી. તસ્કરોએ ચોરી કરવા માટે અનોખો કીમિયો અપનાવ્યો હતો. અવાજ ન થાય તે રીતે તસ્કરોએ જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરું કાપ્યું હતું અને ત્યાંથી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાં રાખેલા કિંમતી સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કર્યો હતો અને 30 લાખથી વધુનો મુદ્દામાલ ચોરીને આસાનીથી ફરાર થઈ ગયા હતા.

ચોરીની ઘટનાને લઈ પીઆઈ કે.ડી જાડેજાએ જણાવ્યું હતું કે, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરેનામ રોડ પર ક્રિષ્ના જ્વેલર્સ નામની ચાંદીના દાગીના અને મૂર્તિઓની એક દુકાન આવેલી છે. આ દુકાનના માલિક મનોજભાઈ સોની છે. મનોજભાઈ સોનીના જણાવ્યા અનુસાર, ગઈકાલ મોડી રાતથી લઈ આજ વહેલી સવારના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે આ ચોરીના બનાવને અંજામ આપ્યો છે.

ચોરીની આ મોટી ઘટના અંગે વહેલી સવારે જાણ થતાં જ પાંડેસરા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે દુકાન તેમજ આસપાસના વિસ્તારના અલગ-અલગ સીસીટીવી ફૂટેજ મેળવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.