રિપોર્ટ@સુરતઃ માતાને ગળે ટૂંપો આપી દીકરાએ પોતે આત્મહત્યા કરી, કયા કારણે આવું કર્યું ?

ઘરમાંથી એક પાનાની સુસાઇડ નોટ મળી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એ.કે. રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે રૂ. 40થી 50 લાખનું જંગી દેવું થઈ જતાં પોતાની 63 વર્ષીય માતાની ગળે ટૂંપો આપી દઈ નિષ્ઠુરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. માતાનો જીવ લીધા બાદ યુવકે પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે જતીન સોનાણી મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેને તેને દત્તક લીધો હતો. વર્ષ 2014માં પતિના અવસાન બાદ પણ માતા-પુત્ર સાથે હસી-ખુશીથી રહેતા હતા. ગુરુવારે રાત્રે પણ બંને પાડોશીઓ સાથે હસી-મજાક કરીને રૂમમાં ગયા હતા, પરંતુ કોને ખબર હતી કે જે પુત્રને બાળપણથી પ્રેમથી ઉછેર્યો હતો, એ જ પુત્ર દેવાના બોજ તળે કાળ બનીને માતાનો ભોગ લેશે.

ઘરમાંથી એક પાનાની સુસાઇડ નોટ મળી

આ ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ઘરના રૂમમાંથી એક પાનાની હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં આર્થિક સંકટ, દેવાની લેવડ-દેવડ અને પરિવારની માફીનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મૂળ ભાવનગરના મહેસાણકા ગામનો પરિવાર, વરાછામાં ભાડેથી રહેતો

મૃતકની ઓળખ અંગે મળતી માહિતી અનુસાર, આ પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મહેસાણકા ગામનો વતની હતો. 36 વર્ષીય જતીન જગદીશ સોનાણી પોતાની 63 વર્ષીય માતા ભાનુબેન સાથે હાલ વરાછા એલ.એચ. રોડ સ્થિત રૂપમ સોસાયટી વિભાગ-1ના પહેલા માળે ભાડાના મકાનમાં રહેતો હતો. પિતાના અવસાન બાદ માતા-પુત્ર બંને સાથે રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

સ્ટેશનરીની નોકરી છોડી મીની બજારમાં શેરબજારની ઓફિસ શરૂ કરી

જતીનના ભૂતકાળ પર નજર કરીએ તો તે અગાઉ એક સ્ટેશનરીની દુકાનમાં સામાન્ય નોકરી કરતો હતો અને સાથે-સાથે શેરબજારનું નાનું-મોટું કામકાજ સંભાળતો હતો. જાતે કમાઈને આગળ વધવાની ઘેલછામાં તેણે અઢી-ત્રણ મહિના પહેલા જ સ્ટેશનરીની નોકરી છોડી દીધી હતી અને સુરતના મીની બજાર ખાતે શેરબજારની પોતાની સ્વતંત્ર ઓફિસ શરૂ કરી હતી.

રોકાણ ઊંધું પડતાં રૂ. 40થી 50 લાખનું દેવું થઈ ગયું

શેરબજારમાં નસીબ અજમાવવા ગયેલા જતીનને ધાર્યા મુજબ સફળતા ન મળી અને તેના દાવ ઊંધા પડ્યા હતા. ટૂંકા સમયમાં જ તેને શેરબજારમાં ભારે નાણાકીય નુકસાન વેઠવું પડ્યું હતું. જોતજોતામાં તેના માથે આશરે રૂ. 40થી 50 લાખનું જંગી દેવું થઈ ગયું હતું. બીજી તરફ તેની માતા ભાનુબેન ઘર બેઠા સિલાઈ કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કરતા હતા.

મધ્યરાત્રિએ ઘોર નિંદ્રામાં સૂતેલી માતાનું ગળું દબાવી દીધું

ગુરુવારે રાત્રે જતીન અને તેની માતા ભાનુબેન રોજિંદા ક્રમ મુજબ જમીને પોતાના રૂમમાં સૂવા ગયા હતા. આર્થિક સંકટના કારણે માનસિક તણાવમાં જીવી રહેલા જતીને મધ્યરાત્રિએ દૂષિત માનસિકતા દર્શાવી હતી. પલંગ પર ઊંઘી રહેલી માતા ભાનુબેનને તેણે ગળાના ભાગે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. માતાની હત્યા કર્યા બાદ તેણે પોતે પણ પંખાના હૂક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

શુક્રવારે બપોર સુધી ઘર ન ખૂલતાં પડોશીઓએ બારીમાંથી જોયું

શુક્રવારે બપોર સુધી ભાનુબેન કે જતીનમાંથી કોઈ પણ ઘરની બહાર ન આવતાં આસપાસના પડોશીઓને શંકા ગઈ હતી. તેઓએ દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે એક પડોશીએ ઘરની બારીમાંથી અંદર ડોકિયું કરતાં જ હોશ ઊડી ગયા હતા. અંદર માતા પલંગ પર પડેલી હાલતમાં અને પુત્રનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળતાં જ પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયુ

બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબોની ટીમ દ્વારા માતા-પુત્રનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે ભાનુબેનનું મૃત્યુ દોરી અથવા વાયર જેવા કોઈ મટીરિયલ વડે ગળા પર ટૂંપો આપવાના કારણે થયું હતું, જ્યારે પુત્ર જતીનનું મૃત્યુ ફાંસો ખાવાથી થયું હતું.

પોલીસને મળેલી એક પાનાની સુસાઇડ નોટમાં તેણે સંબંધીઓમાં કોની પાસેથી પૈસા લેવાના છે અને કોને દેવાના છે તેની વિગતવાર યાદી લખી હતી તથા પોતાના કાકા-કાકી અને પરિવારજનોની માફી પણ માગી હતી.

6 મહિનાની ઉંમરે દત્તક લીધો હતો

આ કરૂણ ઘટના પાછળ એક અત્યંત ભાવુક અતીત છુપાયેલો છે. જતીન મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેને તેને દત્તક લીધો હતો. ભાનુબેને તેને ખોળે બેસાડીને પોતાના સગા પુત્રની જેમ ઉછેરીને મોટો કર્યો હતો. વર્ષ 2014માં પતિના અવસાન બાદ પણ માતા-પુત્ર સાથે હસી-ખુશીથી રહેતા હતા. ગુરુવારે રાત્રે પણ બંને પડોશીઓ સાથે હસી-મજાક કરીને રૂમમાં ગયા હતા, પરંતુ કોને ખબર હતી કે જે પુત્રને બાળપણથી પ્રેમથી ઉછેર્યો હતો, એ જ પુત્ર દેવાના બોજ તળે કાળ બનીને માતાનો ભોગ લેશે.