રિપોર્ટ@સુરત: પુત્રે માતાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 તેની માતા અને મોટા ભાઈ તેને ઘર ચલાવવા માટે નોકરી કરવાનું કહેતા, ત્યારે તે ઉશ્કેરાઈ જતો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં પુત્રે માતાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. 32 વર્ષીય અવિનાશ સાળીએ પોતાની જ 57 વર્ષીય માતા ચંદ્રકલાબેનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. હત્યા પાછળનું મુખ્ય કારણ એ હતું કે, અવિનાશ છેલ્લા 2 વર્ષથી કોઈ કામધંધો કરતો નહોતો. જ્યારે તેની માતા અને મોટા ભાઈ તેને ઘર ચલાવવા માટે નોકરી કરવાનું કહેતા, ત્યારે તે ઉશ્કેરાઈ જતો હતો. આખરે, આજે બપોરે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં અવિનાશે તેની માતાના ડાબા ખભાના ભાગે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું છે. જોકે ચોક બઝાર પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી.

વેડરોડની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા આ પરિવારમાં લાંબા સમયથી કંકાસ ચાલતો હતો. મૃતક ચંદ્રકલાબેનનો મોટો પુત્ર રાજેશ હીરાના કારખાનામાં મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ નાનો પુત્ર અવિનાશ સાવ નવરો બેસી રહેતો હતો. માતા વારંવાર તેને ટોકતી હતી કે, 'કંઈક કામ કર અને પૈસા ઘરે આપ.' આ શિખામણ અવિનાશને એટલી હદે કડવી લાગી હતી કે તેણે અગાઉ પણ ધમકી આપી હતી કે જો તેને કામ કરવાનું કહેશો તો તે મર્ડર કરી નાખીશ. આ મુદ્દે ઘરમાં મોટો ઝઘડો થયો હતો, જે આજે લોહીયાળ અંજામમાં ફેરવાઈ ગયો.

13 જાન્યુઆરી 2026ના રોજ બપોરે આશરે 1:00 વાગ્યે જ્યારે ઘરમાં મોટો પુત્ર હાજર નહોતો, ત્યારે અવિનાશે જમવા બાબતે માતા સાથે ફરી રકઝક કરી હતી. આ દરમિયાન આવેશમાં આવી જઈને તેણે તીક્ષ્ણ હથિયાર કાઢી માતાના ખભાના ભાગે જોરથી મારી દીધું હતું. હુમલો એટલો ભયાનક હતો કે ચંદ્રકલાબેનનું લોહી વહેવા માંડ્યું હતું. પાડોશીઓએ તેમને બચાવવા પ્રયાસ કર્યો અને 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આરોપી અવિનાશ છેલ્લા બે વર્ષથી કામ પર જવાનું નામ લેતા જ ઘર છોડીને ભાગી જતો હતો અને ક્યારેક એક અઠવાડિયા સુધી ગુમ રહેતો હતો. તેની આ આદતથી પરિવાર પરેશાન હતો, પણ તે સગી જનેતાનો જીવ લેશે તેવી કલ્પના કોઈએ કરી નહોતી. પાડોશમાં રહેતા કવિતાબેને જણાવ્યું કે, હુમલો કર્યા બાદ અવિનાશ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હીરાના કારખાનામાં કામ કરતા મોટા ભાઈ રાજેશને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અવિનાશે મર્ડર કરવાની ધમકી ગત રાત્રે 8:00 વાગ્યે જ આપી દીધી હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે,'જો કામ બાબતે ઝઘડો કરશો તો હું તારું કે માતાનું મર્ડર કરી નાખીશ'. આજે બપોરે જમવાનું બનાવવાની તકરાર માત્ર એક નિમિત્ત બની હતી, અસલી ગુસ્સો તો માતા દ્વારા અવારનવાર મળતા કામધંધાના ઠપકાનો હતો. પોલીસે હાલમાં રાજેશ સાળીની ફરિયાદ નોંધીને ફરાર આરોપી અવિનાશને ની ધરપકડ કરી છે.