રિપોર્ટ@સુરત: ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજી, રોજ 250 કરોડથી વધુનાં કપડાંની નિકાસ

ફરી કપડાની માગમાં વધારો થતાં રોજના અંદાજે 300 કરોડના કપડા 300 જેટલી ટ્રકો અને 20 જેટલી ટ્રેનોમાં વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ટેક્સટાઇલ ઉદ્યોગ કેટલાક સમયથી બંધ હતો. ટેક્સટાઇલ ઉદ્યોગમાં અચાનક તેજી આવી છે. આ ઉધોગની ફરી સારી શરૂવાત થઇ ગઈ છે. કોરોના કાળ બાદ ફરી કપડાની માગમાં વધારો થતાં રોજના અંદાજે 300 કરોડના કપડા 300 જેટલી ટ્રકો અને 20 જેટલી ટ્રેનોમાં વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધી મંદી રહ્યાં બાદ ઓક્ટોબરની શરૂઆત થતાની સાથે જ કપડાની માગમાં ફૂલ તેજી આવતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. દિવાળી સુધીમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો કારોબાર 5000 કરોડને પાર કરશે, તેવું વેપારીઓ જણાવી રહ્યાં છે.

સુરતમાંથી દર દિવાળી વખતે મોટી સંખ્યામાં રાજ્યભરના અલગ-અલગ જિલ્લાઓમાં કપડા જાય છે. સામાન્ય રીતે સુરતથી ટ્રાન્સપોર્ટમાં અલગ-અલગ રાજ્યમાં ટ્રકો થકી જ કાપડ પહોંચાડવામાં આવે છે, પરંતુ આ વખતે ટ્રેનોનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. રેલવે વિભાગના મુંબઈ, વલસાડ અને સુરતના કોમર્શિયલ અધિકારીઓની ટીમ અને કાપડ વેપારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, ટ્રાન્સપોર્ટ માટે રેલવે તરફથી ટ્રેન ફાળવવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ ત્રણ ટ્રેન 33 ડબ્બાની અલગ-અલગ રાજ્યમાં મોકલવામાં આવે છે અને આગામી દિવાળી સુધીમાં 19 જેટલી ટ્રેનો દોડાવવામાં આવશે. 22 ટ્રકની અંદર જેટલો માલ ભરાય છે, તેટલો એક જ ટ્રેનમાં જાય છે, તેને કારણે ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ઘટે છે અને સમય પણ બચી રહ્યો છે. સાથે વેપારીઓને ખૂબ જ લાભ થઈ રહ્યો છે. માત્ર રેલવે મારફતે દેશભરની અંદર 1,41,000 જેટલા પાર્સલ રવાના થશે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી અનેક પ્રકારનું ગ્રહણ લાગતા યોગ્ય રીતે વેપાર થતો ન હતો અને સદંતર માહોલ મંદી રહ્યો હતો. ઓક્ટોબરની શરૂઆત થતાંની સાથે જ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓના કહેવા મુજબ, એટલા મોટા પ્રમાણમાં ડિમાન્ડ છે કે માત્ર ટ્રક મારફતે રાજ્યભરની અંદર માલ પહોંચાડવું પણ મુશ્કેલ છે. દિવાળી સુધીમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર આ વખતે 5,000 કરોડ કરતાં પણ ઉપર જાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. હાલની માગને લઈને અત્યારથી જ વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ટેક્સટાઇલ ઉદ્યોગ એ સૌથી વધુ રોજગારી આપનાર ઉદ્યોગો પૈકીનો એક છે. જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર દિવાળીનો માહોલ સારો સર્જાતો હોય છે, ત્યારે અન્ય તેનાથી સંકળાયેલા ધંધામાં પણ સારી એવી તેજી આવે છે અને રોજગારી પણ સારી મળી જાય છે.

આજે સુરતના વેપારીઓ જે પ્રકારની ડિમાન્ડ જોઈ રહ્યા છે તે જોતા દિવાળી સુધીમાં સુરત શહેરમાં કાપડ બચવાનું નથી. એમાં તમામ પ્રકારના ડ્રેસ મટિરિયલ, ગારમેન્ટ, સાડી કે મંડપના કાપડ હોય આ તમામની સતત માંગ વધી છે. આજે સુરત શહેરમાં રોજનો 250થી 300 કરોડનો વેપાર થઈ રહ્યો છે. બરાબર દિવાળીને હજી 20થી 21 દિવસ બાકી છે, ત્યારે આપણે અંદાજો લગાવીએ કે, હજારો કરોડનો વેપાર આ વખતે થવાનો છે. અત્યાર સુધી કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી નથી અને આગામી થોડા દિવસમાં પણ જો આ જ પ્રકારની ડિમાન્ડ સતત દેશભરમાંથી જોવા મળી તો ગત વર્ષની સરખામણીએ આ વખતે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખૂબ સારી દિવાળી ઉજવાશે.

સુરતના ટેક્સટાઇલ વેપારી પુરુષોત્તમ અગ્રવાલે જણાવ્યું હતુ કે, એપ્રિલથી સપ્ટેમ્બર સુધી કોઈ ખાસ ડિમાન્ડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોવા મળી ન હતી, પરંતુ ઓક્ટોબરની શરૂઆતથી જ દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને આ વખતે જોર્જટ અને ગારમેન્ટની ડિમાન્ડ દેશભરમાં જોવા મળી રહી છે. અહીંથી ખૂબ મોટા પાયે સપ્લાય પણ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં દિવાળી અને લગ્નસરા બંને હોવાને કારણે અત્યારથી જ ટેસ્ટટાઇલ ઉદ્યોગનો માહોલ સારો બની ગયો છે. અમને અપેક્ષા છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેપાર ખૂબ સારો થશે. કારણ કે, દેશભરમાંથી કાપડની ખૂબ મોટા પ્રમાણમાં માગ જોવા મળી રહી છે.

ફેડરેશન ઓફ સુરત ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હાકિમે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રેલવેનો ખૂબ ઓછો ઉપયોગ ટ્રાન્સપોર્ટ તરીકે ટેક્સટાઇલ ઉદ્યોગે કર્યો છે. પરંતુ આ વખતે જણાવતા ખુશી થાય છે કે દેશભરમાં જે પણ માલ સપ્લાય થવાનો છે, તેમાં 10%નો હિસ્સો રેલવેનો રહેશે. પ્રથમ વખતમાં 10% સુધીનો ઉપયોગ કરવો એ નાનીસુની વાત નથી. માત્ર ટ્રકનો ઉપયોગ માલ અલગ- અલગ રાજ્યમાં મોકલવા માટે થતો હતો, પરંતુ આ વખતે કુલ 22 જેટલી ટ્રેનો અન્ય રાજ્યમાં સુરતમાં તૈયાર થયેલું કાપડ પહોંચાડશે. અત્યાર સુધીમાં કુલ ત્રણ ટ્રેન મોકલી દેવામાં આવી છે અને બાકીની 19 જેટલી ટ્રેનો દિવાળી સુધીમાં રવાના થશે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે બે ગણો વેપાર થવાનો છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના વિઝનને કારણે સમયસર રેલવે વિભાગ સાથે બેઠકો કરતા આ સફળતા મળી છે. આગામી દિવસોમાં હજી પણ રેલવે વિભાગ સાથે ચર્ચા કરીને શક્ય તેટલો માલ ટ્રેન મારફતે જ અન્ય રાજ્યમાં પહોંચે તે દિશામાં પ્રયાસ કરીશું.