રિપોર્ટ@સુરત: પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપી પતિનું ગળું દબાવી દીધું, જાણો સમગ્ર ઘટના

કંટાળીને પત્નીએ આ ખોફનાક મોતનો ખેલ ખેલ્યો હતો.
 
રિપોર્ટ@સુરત: પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપી પતિનું ગળું દબાવી દીધું, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર હદય કંપાવી ઊઠે એવી મર્ડરની ઘટના સામે આવી છે.સુરતના લિંબાયત વિસ્તારમાં એક પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી નાખી છે. આ હત્યા પાછળનું મુખ્ય કારણ પતિ દ્વારા લેવામાં આવતી સેક્સવર્ધક દવાઓ અને તેના કારણે અપાતો અસહ્ય શારીરિક ત્રાસ હતો. મૃતક હૈદરઅલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એકાદવાર સુરત આવતો હતો.

પત્નીના જણાવ્યા અનુસાર, હૈદરઅલી જ્યારે પણ ઘરે આવતો ત્યારે સેક્સવર્ધક દવાઓનું સેવન કરીને અત્યંત ક્રૂરતા આચરતો હતો. જેનાથી કંટાળીને પત્નીએ આ ખોફનાક મોતનો ખેલ ખેલ્યો હતો. પણ જ્યારે દફનવિધિ માટે મહિલા અને મૃતકના ભાઈ વચ્ચે વિવાદ થયો ત્યારે આ હત્યાનું રહસ્ય ખુલ્યું.

પત્ની ઈશરત જહાને પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો કે, તેનો પતિ સેક્સવર્ધક ગોળીઓ ખાઈને તેને ત્યાં સુધી મારતો અને પીડા આપતો જ્યાં સુધી તેને શરીરમાંથી લોહી ન નીકળે. આ હેવાનીયત દર મહિને કરતો હતો. સતત શારીરિક અને માનસિક ત્રાસને કારણે પત્નીના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો. આ વખતે જ્યારે પતિ મુંબઈથી ઘરે આવ્યો ત્યારે પત્નીએ તેને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું મન બનાવી લીધું હતું.

હત્યા કરવાના ઈરાદે પત્નીએ ગત 1લી જાન્યુઆરીએ હૈદરઅલીને રાત્રે પીવા માટે હળદરવાળું દૂધ આપ્યું હતું, પરંતુ આ દૂધમાં તેણે ચોરીછુપીથી ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી. આ ઝેરની અસર ધીમે ધીમે થવા લાગી હતી અને 5મી જાન્યુઆરીએ હૈદરઅલીની તબિયત અચાનક લથડી હતી. તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આ એક સામાન્ય બીમારીથી મૃત્યુ થયું હોવાનું નાટક પત્નીએ રચ્યું હતું.

હૈદરઅલીના મૃત્યુ બાદ લાશને ઘરે લાવવામાં આવી હતી. મૃતકનો ભાઈ હૈદરઅલીની લાશને બિહારના પૂર્વી ચંપારણ ખાતેના તેમના વતનમાં લઈ જઈ દફનવિધિ કરવા માંગતો હતો. જોકે, પત્ની ઈશરત જહાન જીદ પર અડી હતી કે દફનવિધિ સુરતમાં જ કરવામાં આવે. ભાઈ અને ભાભી વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પત્નીની આ જીદ અને તેના વર્તનને જોઈને મૃતકના ભાઈને શંકા ગઈ કે ભાઈના મોતમાં પત્નીનો જ હાથ છે, જેના પગલે તેણે પોલીસને જાણ કરી હતી.

પોલીસે શંકાના આધારે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પી.એમ. રિપોર્ટમાં તબીબોએ જણાવ્યું કે, મૃત્યુ માત્ર ઝેરથી નથી થયું, પરંતુ મૃતકનું ગળું અને છાતી દબાવવામાં આવી હતી. રિપોર્ટ મુજબ 'Asphyxia due to compression over neck and chest' ને કારણે હૈદરઅલીનું મોત થયું હતું. પત્નીએ કબૂલ્યું કે ઝેર આપ્યા બાદ જ્યારે તે નબળો પડ્યો ત્યારે તેણે તેનું ગળું અને છાતી દબાવીને તેને સંપૂર્ણપણે મોતને ઘાટ ઉતારી દીધો હતો.

લિંબાયત પોલીસે આ મામલે પત્ની ઈશરત જહાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પતિ દ્વારા સેક્સવર્ધક દવાઓ ખાઈને કરવામાં આવતી હેવાનીયત આ હત્યાનું મુખ્ય કારણ બની છે. હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર સુરતમાં ભારે ચકચાર જગાવી છે.