રિપોર્ટ@સુરત: મહિલા નાયબ મામલતદારે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતાં ચકચાર મચી

આત્મહત્યા પાછળના જવાબદાર કારણો સુધી પહોંચવા પોલીસ ચક્રો ગતિમાન કર્યાં છે.
 
રિપોર્ટ@સુરત: મહિલા નાયબ મામલતદારે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતાં ચકચાર મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત શહેરમાંથી એક આત્મહત્યાની ઘટના સામે આવી છે.સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં હિનીષા પટેલ નામનાં મહિલા નાયબ મામલતદારે પોતાના ઘર પર ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતાં ચકચાર મચી છે. હિનીષા પટેલ અને તેમના પતિ પણ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. આજે સવારે ઓફિસે નીકળવાના સમયે પતિ નીચે કાર લેવા ગયા હતા, પરંતુ નાયબ મામલતદાર પત્ની નીચે ઊતર્યાં ન હતાં. ઉપર જઈ ચેક કરતાં રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં હતા.

ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પર મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઊમટી પડ્યા હતા. મળતી માહિતી મુજબ મહિલા નાયબ મામલતદાર સામે થોડા સમય પહેલાં એક નનામી અરજી થઈ હતી, જોકે તેની તપાસમાં તેને ગાંધીનગરથી ક્લીનચિટ મળી ગઈ હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ હોઈ, પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતાં નાયબ મામલતદાર હિનીષા પટેલે આજે સવારે રાંદેર વિસ્તારમાં આવેલા પોતાના ઘર પર દુપટ્ટાથી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પતિ-પત્ની બંને એક જ કચેરીમાં ફરજ બજાવતાં હોઈ, આજે સવારે ઓફિસે નીકળતી સમયે પતિ કેતન પટેલ નીચે કાર લેવા ઊતર્યા હતા, પરંતુ પત્ની નીચે ન આવતાં કેતન પટેલે ઉપર જઈ ચેક કર્યું તો હિનીષા પોતાના બેડરુમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં હતાં, જેને હોસ્પિટલ ખસેડતાં તબીબોએ મૃત જાહેર કર્યાં હતા.

મૃતક અને તેમના પતિ બંને અગાઉ રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતાં હતાં અને વર્ષ 2023માં જ બંનેએ પ્રમોશન મેળવી નાયબ મામલતદાર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. મહેસૂલ વિભાગનાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલાં હિનીષાબેન સામે જમીન મામલે એક નનામી અરજી કરવામાં આવી હતી, જોકે ગાંધીનગર ખાતે થયેલી તપાસમાં તેમને નિર્દોષ જાહેર કરી 'ક્લીનચીટ' આપી દેવામાં આવી હતી. તેમ છતાં શું આ બાબતનું કોઈ માનસિક દબાણ હતું કે અન્ય કોઈ કારણ, એ દિશામાં રહસ્ય ઘેરાયું છે.

રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર આર. ચૌધરીના જણાવ્યા અનુસાર, હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ હવે મૃતકનો મોબાઈલ ફોન કબજે કરી તેની કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયાની તપાસ કરશે. અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યોની પૂછપરછ કરીને આત્મહત્યા પાછળના જવાબદાર કારણો સુધી પહોંચવા પોલીસ ચક્રો ગતિમાન કર્યાં છે.