રિપોર્ટ@સુરત: નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું, પોલીસે 3ની ધરપકડ કરી

કોમ્પ્યુટરમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી. ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી.
 
રિપોર્ટ@સુરત: નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું, પોલીસે 3ની ધરપકડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતમાંથી નકલી ચલણી નોટનું કારખાનું મળી આવ્યું છે. સુરત શહેર એસ.ઓ.જી દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઇન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે એક લાખથી વધુની નકલી નોટ સાથે 3ની ધરપકડ કરી છે. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોમ્પ્યુટરમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી. ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી. નોટનો કાગળ પણ એક દમ અસલી ચલણી નોટ જેવો જ છે. જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા કે કોણ આપતું હતું તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેર એસ ઓ જી પોલીસને બાતમી મળી હતી કે, સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. જે આધારે આજે એસઓજી પોલીસે એપલ સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી 406 નંબરમાં ઓનલાઇન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ઓફિસ માંથી ત્રણ જેટલા ઈસમો મળી આવ્યા હતા.

એસ ઓ જી પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ કોમ્પ્યુટર, પ્રિન્ટર, એક લાખની નકલી નોટો સાથે ત્રણ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય ઈસમો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી.

એસઓજી પોલીસ દ્વારા હાલ તો આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા, નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા, અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે, આ નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવી છે? જેવા સવાલો આ ત્રણે આરોપીઓને કરવામાં આવી રહ્યા છે.