રિપોર્ટ@સુરત: પિતા-પુત્રીની એકસાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હીંબકે ચડ્યું

નેપાળથી મૃતદેહોને પ્રથમ મુંબઈ એરપોર્ટ પર લવાયા હતા, અને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે તેમના વતન કદોડ ખાતે લાવવામાં આવ્યા હતા.
 
રિપોર્ટ@સુરત: પિતા-પુત્રીની એકસાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હીંબકે ચડ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરના બારડોલી તાલુકાના કદોડ ગામ માટે આજની સવાર અત્યંત શોકાતુર અને કરુણામય રહી છે. ગત ઓક્ટોબર માસમાં નેપાળ ખાતે ટ્રેકિંગ માટે ગયેલા કદોડના વતની જીગ્નેશ પટેલ અને તેમની પર્વતારોહક પુત્રી પ્રિયાંસી પટેલ ભારે હિમવર્ષામાં લાપતા થયા બાદ, આજે 4 દિવસ બાદ તેમના પાર્થિવદેહો વતન લાવવામાં આવ્યા હતા.

વહેલી સવારે પિતા-પુત્રીની અંતિમયાત્રા નીકળતાં સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું અને મોટી સંખ્યામાં સ્વજનો તથા ગ્રામજનો અશ્રુભીની આંખે તેમાં જોડાયા હતા.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, મૂળ બારડોલીના કદોડ ગામના રહેવાસી જીગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયાંસી ગત ઓક્ટોબર મહિનામાં નેપાળના અન્નપૂર્ણા-3 ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા. પુત્રી પ્રિયાંસીને ટ્રેકિંગનો જબરદસ્ત શોખ હતો. તેણે નાની ઉંમરે અનેક ટ્રેકિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને રેકોર્ડ પણ બનાવ્યા હતા.

મળતી વિગતો મુજબ, પિતા-પુત્રી 31મી ઓક્ટોબરના રોજ ટ્રેકિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરવાના હતા. પરંતુ નિયત સમયે તેમનો સંપર્ક ન થતાં કદોડ ખાતે રહેતા જીગ્નેશ પટેલના પત્ની જિજ્ઞાસાબેને અનેક વખત ફોન પર સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા, જે નિષ્ફળ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન જ ટ્રેકિંગ રૂટ પર ભારે હિમવર્ષા થઈ હોવાના અહેવાલ હતા, જેના કારણે પિતા-પુત્રી દુર્ગમ પહાડી વિસ્તારમાં લાપતા થયા હોવાની આશંકા પ્રબળ બની હતી.

પરિવારજનોએ તાત્કાલિક સ્વજનો અને સ્થાનિક આગેવાનોને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ ભારત-નેપાળ એમ્બસીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એમ્બસીના માધ્યમથી નેપાળ પોલીસ દ્વારા પહાડી વિસ્તારમાં સઘન શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આખરે, ગત 9મી નવેમ્બરના રોજ, બંને પિતા-પુત્રીના મૃતદેહ બરફમાં દબાયેલી હાલતમાં મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ઘટનાસ્થળ એટલું દુર્ગમ હતું કે, મૃતદેહોને બેઝ કેમ્પ સુધી લાવતા જ 13 કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ (પી.એમ.) સહિતની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી.

એકસાથે પરિવારના બે સભ્ય ગુમાવતાં પટેલ પરિવાર અને સમગ્ર કદોડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નેપાળથી મૃતદેહોને પ્રથમ મુંબઈ એરપોર્ટ પર લવાયા હતા, અને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે તેમના વતન કદોડ ખાતે લાવવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે જ્યારે બંને પાર્થિવદેહો ઘરે પહોંચ્યા, ત્યારે કરુણ દૃશ્યો સર્જાયા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જીગ્નેશ પટેલ ખૂબ જ સેવાભાવી વ્યક્તિ હતા અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. જ્યારે તેમની લાડકવાયી દીકરી પ્રિયાંસી પર્વતારોહણની ખૂબ શોખીન હતી. એક સેવાભાવી ભાઈ અને એક હોનહાર દીકરીને એકસાથે ગુમાવવાથી સમગ્ર પરિવાર અને સ્વજનો શોકમગ્ન બન્યા છે.

સ્થાનિક આગેવાન તરુણભાઈએ જણાવ્યું હતું કે, જીગ્નેશભાઈ અમારા ગામનું એક રતન હતું. આ ઐતિહાસિક કડોદ ગામના જીગ્નેશભાઈએ અનેક નાના-મોટા સ્ટંટ કરીને ગીનીશ બુક સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા હતા. તેમના મૃત્યુના સમાચાર પછીના આ દિવસો ખૂબ જ કપરા પસાર થયા છે.

તેમણે મૃતદેહોને વતન પરત લાવવા બદલ સરકાર, રાજકીય આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે અપીલ કરતા જણાવ્યું કે, જીગ્નેશભાઈ ટ્યુશન શિક્ષક પણ હતા અને હવે તેમના ધર્મપત્ની જિજ્ઞાસાબેન જ પરિવારમાં રહ્યા છે. ત્યારે એક આગેવાન તરીકે હું સરકારને વિનંતી કરું છું કે તેમને જીવિકા માટે યોગ્ય આર્થિક સહાય મળે.