રિપોર્ટ@સુરત: ટિકિટચોરીનું કૌભાંડ;પૈસા ચુકવી દીધા હોવા છતાં ટિકિટ નહીં મળવાની ફરિયાદ

ક્યાંક 'મશીન બંધ છે', તો ક્યાંક “આગળ ઉતરશો ત્યારે કાપી લેશું' જેવા બહાનાં કરીને વસૂલી થતી હોવાનું સામે આવ્યું છે.
 
રિપોર્ટ@સુરત: ટિકિટચોરીનું કૌભાંડ;પૈસા ચુકવી દીધા હોવા છતાં ટિકિટ નહીં મળવાની ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સીમાડાનાકા બીઆરટીએસ સ્ટેશન પરથી ટિકિટ ચોરીના નવો કિસ્સો બહાર આવતા ડ્રાઇવર-કંડક્ટરની મીલીભગતમાં ચાલતી ગેરરીતિઓ ખુલ્લી પડી છે. સોશિયલ મીડિયા પર મુકેલા વીડિયોમાં દર્શાવ્યું છે કે, ઘણાં મુસાફરો પાસેથી પૈસા લઈ ટિકિટ જ આપવામાં આવતી નથી. ક્યાંક 'મશીન બંધ છે', તો ક્યાંક “આગળ ઉતરશો ત્યારે કાપી લેશું' જેવા બહાનાં કરીને વસૂલી થતી હોવાનું સામે આવ્યું છે.

સુરતના અલગ-અલગ રૂટ પર ચાલતી સિટી બસ અને બીઆરટીએસ બસો અગાઉથી જ ટિકિટ ગોટાળાઓને કારણે વિવાદમાં રહી છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દાને કડક રીતે ઉઠાવ્યો છે. અનેક વખત ફરિયાદો થયા છતાં ઇજારદારો અને જવાબદાર અધિકારીઓ સામે સખ્ત પગલાં નહીં લેવાતા વહીવટી બેદરકારી છતી થઈ રહી છે.

વિડીયોમાં ઘણાં મુસાફરો કહેતા સંભળાયા છે કે તેઓ શ્યામધામ ચોક, સરથાણા અને સીમાડા વિસ્તારોમાંથી બસમાં ચડયા છતાં ટિકિટ આપવામાં આવી નહોતી. કેટલાકે તો પૈસા ચુકવી દીધા હોવા છતાં ટિકિટ નહીં મળવાની ફરિયાદ કરી છે.

વીડિયોમાં બસમાં મુસાફરી કરનારા લોકોએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ સીમાડા વિસ્તારના બીઆરટીએસ બસ સ્ટેશનથી બસમાં બેઠા ત્યારે તેઓને જ્યાં ઉતરો ત્યાંથી ટિકિટ લઈ લેવા જણાવી દીધું હતું. પરંતુ જ્યાં ઊતર્યા ત્યાં પણ ટિકિટની જરૂર ન હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત એક વ્યક્તિએ તો ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમણે ટિકિટના પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ તેમને ટિકિટ આપવામાં આવી નથી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ડ્રાઇવરો અને કંડકટરોની મિલીભગતમાં ચલાવવામાં આવતા ટિકિટ ચોરી કૌભાંડ મુદ્દે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. કેટલાક લોકો શ્યામધામ ચોકથી બેઠા હતા તો કેટલાક લોકો સરથાણા સહિતના વિસ્તારમાંથી બેઠા હતા. પરંતુ કોઈને ટિકિટ આપવામાં આવી ન હતી. આ વાત ધ્યાન પર આવતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા હાલમાં એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના મહેશ અણઘણે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ મુકતા ટિકિટ કૌભાડ ફરી બહાર આવ્યું છે. આ વીડિયોમાં સીમાડાનાકાથી બીઆરટીએસ બસમાં બેઠેલો મુસાફરોને ટિકિટ જ આપવામાં આવી ના હતી. ઘણા મુસાફરો પાસેથી પૈસા લઇ ટિકિટ જ આપવામાં આવતી ના હતી. તો કયાંક મશીન બંધ છે. તો ક્યાંક આગળ ઉતરશો ત્યારે કાપી લઈશુ. કેટલાકે તો પૈસા ચૂકવી દીધા હોવાછતા ટિકિટ ના મળવાની ફરિયાદ કરી હતી.