રિપોર્ટ@સુરેન્દ્રનગર: મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા પતિ-પત્ની જીવતા ભડથું, જાણો સમગ્ર દુર્ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હદય કંપાવી ઊઠે એવી આગ લાગવાની ઘટના સામે આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત મોડી રાત્રે એક રહેણાક મકાનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં પતિ-પત્નીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. આગને કારણે ઘર બળીને ખાખ થઈ ગયું છે, જ્યારે મૃતકોના પરિવારજનોએ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રે આ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે, પરંતુ બે પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે:
પરિવારજનોનું નિવેદન: પરિવારજનોના જણાવ્યા અનુસાર, ઘરમાં મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો હતો, જેની બેટરી ફાટતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સૌપ્રથમ ઘરના સોફામાં આગ લાગી હતી અને ત્યાર બાદ તે રૂમમાં ફેલાઈ ગઈ હતી, જ્યાં દંપતી સૂતું હતું.
તંત્રનું પ્રાથમિક અનુમાન: બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા મકાનમાં લાગેલા એ.સી. માં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ ભયાનક આગમાં શબ્બીર બુરહાનભાઈ અને રસીદાબેન શબ્બીરભાઈએ જીવ ગુમાવ્યો છે. ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

