રિપોર્ટ@સુરેન્દ્રનગર: એકસાથે 150થી વધુ ગેરકાયદે કોલસાની ખાણો પર દરોડા

દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે
 
રિપોર્ટ@સુરેન્દ્રનગર: એકસાથે 150થી વધુ ગેરકાયદે કોલસાની ખાણો પર દરોડા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

એકસાથે 150થી વધુ ગેરકાયદે કોલસાની ખાણો પર દરોડા પાડવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એકસાથે 150થી વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પાડીને ખનનમાફિયાઓને મોટો ઝટકો આપ્યો છે.

આ કાર્યવાહી જામવાળી અને ભડુલો વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી, જ્યાં અધિકારીઓએ કોલસો કાઢવા માટે ખોદવામાં આવેલા 150થી વધુ ખાડાઓ શોધી કાઢ્યા હતા. દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે ગેરકાયદે ખનનના વ્યાપક પ્રસારને દર્શાવે છે.

તપાસ દરમિયાન ખનન માટે વપરાતાં ટ્રેક્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. આ સાધનોનો ઉપયોગ ગેરકાયદે ખનન માટે કરવામાં આવતો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલી કેટલીક ખાણોમાં રાજકીય આગેવાનોની સંડોવણી હોવાની શક્યતા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને જો આ દાવા સાચા સાબિત થાય તો આ કેસ વધુ ગંભીર બની શકે છે.

આ કાર્યવાહીથી વર્ષોથી ચાલી રહેલા કોલસાના કાળા કારોબાર પર મોટો ફટકો પડ્યો છે. ખનીજમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. પ્રાંત અધિકારીની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પર અંકુશ લાગશે એવી આશા સેવાઈ રહી છે.

આ કાર્યવાહી ગુજરાતની ખાણ તપાસના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમની આ કામગીરીને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પર કડક પગલાં ભરવાની સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.