રિપોર્ટ@સુરેન્દ્રનગર: વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળશે વિનામૂલ્યે સાયન્સ સીટી જવાની તક

બાળકોનો વૈજ્ઞાનિક પ્રવાસ

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અભ્યાસ દરમિયાન પ્રવાસ જરૂરી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે અભિરૂચી વધે અને જીજ્ઞાસાવૃતિ કેળવાય તે હેતુસર ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), વિજ્ઞાન અને અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકારના સહયોગથી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તા. 8/8/2024ના રોજ શ્રી સવા શાળા ખાતેથી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સીટી, અમદાવાદની મુલાકાત માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદકુમાર ઓઝાના વરદ હસ્તે ફ્લેગઓફ આપી જિલ્લાની પ્રથમ બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, “રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજીની રોમાંચક અને આકર્ષણથી ભરપુર માહિતીસભર અનેકવિધ આકર્ષિત ગેલેરીઓ આવેલી છે. આથી ગુજરાત સાયન્સ સીટી અને રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક તેમજ વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી વધારવામાં મદદરૂપ બની રહેશે.”

સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી તેમજ 10 તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ગુજકોસ્ટ પ્રસ્થાપિત રીજીયોનલ સાયન્સ સેન્ટર(RSC)ની શૈક્ષણિક મુલાકાત ઓગસ્ટથી ઓક્ટોબર - 2024 માસ દરમ્યાન મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મુલાકાતમાં 42 પ્રાથમિક અને 48 માધ્યમિક મળી કુલ 90 શાળાઓનો સમાવેશ થશે. જેમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભુજ માટે 60 બસ, રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર માટે 15 બસ અને ગુજરાત સાયન્સ સીટી માટે 15 બસ એમ કુલ 90 બસ દ્વારા 4730 વિદ્યાર્થીઓ અને 270 શિક્ષકોને આ સાયન્સટુર વિનામૂલ્યે ગુજરાત એસ.ટી.નિગમની બસ દ્વારા જિલ્લાના ડો.હોમીભાભા લોક વિજ્ઞાન કેન્દ્ર મારફત કરાવવામાં આવશે. આવવા જવા માટેનું બસ ભાડું, સાયન્સ સીટી તેમજ રીજીયોનલ સાયન્સ સેન્ટરની એન્ટ્રી ટિકિટનો ખર્ચ ગુજકોસ્ટ દ્વારા ચુકવવામાં આવનાર છે.