રિપોર્ટ@ગુજરાત: બેગમાં મળેલી મહિલાની લાશનું સસ્પેન્સ વધુ ઘેરાયું, બાળક સાથે આરોપી ગાયબ

આ હત્યાના પ્રકરણમાં ઘટનાસ્થળથી માત્ર 500 ફૂટ દૂર આવેલું અંબિકા નગરનું તિવારી બિલ્ડિંગ તપાસનું કેન્દ્ર બન્યું છે.
 
રિપોર્ટ@ગુજરાત: બેગમાં મળેલી મહિલાની લાશનું સસ્પેન્સ વધુ ઘેરાયું, બાળક સાથે આરોપી ગાયબ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બેગમાં મળેલી મહિલાની લાશનું સસ્પેન્સ વધુ ઘેરાયું છે. આરોપી બાળક સાથે ગાયબ થઈ ગયો છે. કોસંબા રેલવે ઓવરબ્રિજ નજીક કટારિયા શોરૂમની સામેના એક ખાડામાંથી વહેલી સવારે મરૂન રંગની ટ્રોલી બેગ મળી આવી હતી. ટ્રોલી બેગની ચેઈન ખુલ્લી હોવાથી તેમાંથી મહિલાના વાળ દેખાતા, મૃતદેહ હોવાની શંકાના આધારે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ હત્યાના પ્રકરણમાં ઘટનાસ્થળથી માત્ર 500 ફૂટ દૂર આવેલું અંબિકાનગરનું તિવારી બિલ્ડિંગ તપાસનું કેન્દ્ર બન્યું છે. પોલીસને શંકા છે કે આ બિલ્ડિંગના પહેલા માળે દાદરની બાજુમાં રહેતા એક પરપ્રાંતિય શખસે તેની પત્નીની હત્યા કરી છે. પતિ અને તેનું ત્રણ વર્ષનું બાળક ઘટના બાદથી ગાયબ છે. ટ્રોલીબેગમાં મળેલી લાશનું રહસ્ય વધુ ઘેરાયું છે.

કટારિયા શોરૂમના કર્મચારીઓએ જમીન માલિક પુષ્પેન્દ્રસિંહ સોલંકીને ટ્રોલી બેગ અંગે જાણ કરી હતી, જેમણે તાત્કાલિક કોસંબા પોલીસને માહિતી આપી હતી. ટ્રોલી બેગમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઉપરાંત LCB અને SOGની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રોલીબેગ ખોલીને તપાસ કરતાં તેમાંથી આશરે 20થી 25 વર્ષીય અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે મૃતદેહને ટ્રોલીબેગમાં સમાવવા માટે મહિલાનો જમણો હાથ અને ડાબો પગ બાંધી દેવામાં આવ્યા હતા.

પોલીસને યુવતીના મોંઢા અને માથાના ભાગે લોહીના નિશાન મળી આવ્યા છે, જોકે શરીર પર અન્ય કોઈ ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા નથી. યુવતીનું મોં કાળું પડી ગયું હોવાથી, તેની હત્યા શ્વાસ રૂંધીને કરવામાં આવી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ હત્યાના પ્રકરણમાં ઘટનાસ્થળથી માત્ર 500 ફૂટ દૂર આવેલું અંબિકા નગરનું તિવારી બિલ્ડિંગ તપાસનું કેન્દ્ર બન્યું છે. પોલીસને શંકા છે કે આ બિલ્ડિંગના પહેલા માળે દાદરની બાજુમાં રહેતું એક પરપ્રાંતિય દંપતી અને તેમનું ત્રણ વર્ષનું બાળક ઘટના બાદથી ગાયબ છે. સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ, રવિવારના રોજ બપોરે અને ત્યારબાદ મોડી રાત્રે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાયબ પતિનું નામ રવિ છે અને તેણે જ પત્નીની હત્યા કરીને તેની લાશને ટ્રોલીબેગમાં ભરીને ખાડામાં ફેંકી દીધી હોવાની પ્રબળ શંકા છે.

પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે, જેમાં રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ પતિ ટ્રોલી બેગ લઈને જતો દેખાય છે. હાલમાં પોલીસ રવિ અને તેના ગાયબ બાળકની શોધખોળ કરી રહી છે. તપાસ ચાલુ હોવાથી પોલીસ કે મકાન માલિક આ અંગે વધુ માહિતી આપવા તૈયાર નથી.