રિપોર્ટ@મહેસાણા: રૂપેણ નદીના કિનારેથી અજાણ્યા વ્યક્તિનો કપાયેલો પગ મળી આવતા ચકચાર મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છઠીયારડા પાટિયા પાસેથી પસાર થતી રૂપેણ નદીના કિનારેથી અજાણ્યા વ્યક્તિનો કપાયેલો પગ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નોકરી પરથી ઘરે જતાં સમયે યુવક શોચક્રિયા માટે નદીના પટ્ટમાં ગયો હતો અને આ પગ પર નજર પડતા પોલીસને જાણ કરી હતી. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે સ્થાનિક લોકોના નિવેદન લઈ ફોરેન્સિક પી.એમ. માટે પગને અમદાવાદ મોકલ્યો છે.
મહેસાણા તાલુકાના છઠીયારડા બસ સ્ટેન્ડ નજીક આવેલા બ્રિજ નીચે રૂપેણ નદીના પટમાં આવેલા પથ્થરો પાસેથી માણસનો કપાયેલો પગ મળી આવ્યો હતો. ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ પગ 6 નવેમ્બરની સાંજે 6 વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો, જેની તપાસ પોલીસે શરૂ કરી છે.
સમગ્ર કેસમાં માનવ પગને જોનાર જયપાલસિંહે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું અહી નજીક આવેલી ડેરીમાં જોબ કરું છું અને મારા ગામથી અપડાઉન કરું છું. ગઈકાલે સાંજે હું નદી પટમાં શૌચ માટે ગયો હતો, એ દરમિયાન મેં આ પગ જોયો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી હતી.
હાલમાં રૂપેણ નદીમાં જ્યાંથી પગ મળ્યો છે. ત્યાં બ્રીજની દીવાલ બનાવવાનું કામ ચાલુ છે. ત્યાં કામ કરતા મજૂરોએ જણાવ્યું કે આ પગ ગઈ કાલ સવારનો અહીં કિનારે પડ્યો છે. આસપાસના ઘણા લોકો અહીં જોવા પણ આવ્યા હતા. વધુમાં જણાવ્યું કે અમારું અહીં 3 દિવસથી કામ ચાલે છે. પરંતુ અમે પગ ગઈ કાલે સવારે જ જોયો છે.
સમગ્ર કેસમાં તપાસ કરનાર અધિકારી વી.એ. સીસોદીયાએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે આ માનવ પગ મળી આવ્યો છે, જેને ફોરેન્સિક પી.એમ. માટે અમદાવાદ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો છે. પી. એમ. બાદ જાણી શકાશે કે આ પગ કોઈ દર્દીનો છે કે અન્ય કોઈ વ્યક્તિનો? હાલમાં તપાસ ચાલુ છે. તેમજ મહેસાણાની આસપાસની હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવશે.

