રિપોર્ટ@સાબરકાંઠા: ચારેય મિત્રની ફળિયામાંથી એકસાથે અર્થી ઉઠતાં આખું નગર હિબકે ચઢ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગઈકાલે રેવાસ પાસે અકસ્માતની ભયાનક દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા હતા. ગમખ્વાર અકસ્માત બાદ આજે ઈડરમાં કાળજું કંપાવી દે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર ભોઈ સમાજના ચારેય યુવાનના મૃતદેહોનું પીએમ કર્યા બાદ જ્યારે તેમને ભોઈવાડા લાવવામાં આવ્યા, ત્યારે આખું નગર હિબકે ચઢ્યું હતું. કડિયા કામ કરી પરિવારનો ગુજારો કરતા આ ચાર આશાસ્પદ યુવાનની અર્થી એક જ ફળિયામાંથી એકસાથે ઉઠતાં સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો હતો.
ભોઈ સમાજના આગેવાનોના નિર્ણય મુજબ, ચારેય મિત્રની અંતિમયાત્રા એકસાથે કાઢવામાં આવી હતી અને સ્મશાનમાં એકસાથે જ અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. એક જ સમાજના ચાર-ચાર યુવાનની ચિતા એકસાથે સળગતી જોઈ હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે ઈડરના ભોઈવાડા વિસ્તારમાં ચુસ્ત શોક પાળવામાં આવ્યો હતો.
મૃતકોના નામ
- સચિન બાબુભાઈ ભોઈ
- અનિલ રમેશભાઈ ભોઈ
- શૈલેષ નારણભાઈ ભોઈ
- રાજેશ ચંદુભાઈ ભોઈ

