રિપોર્ટ@સુરત: છેલ્લા 24 કલાકમાં ત્રીજી હત્યાનો બનાવ સામે, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા 24 કલાકમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગતરોજ રાત્રે રાંદેર વિસ્તારમાં હત્યા થઈ હતી. ત્યારબાદ આજે બપોરે લિંબાયતમાં હત્યાનો બનાવ બન્યો હતો. જ્યારે હવે પુણા વિસ્તારમાં 19 હજાર રૂપિયા માટે મિત્રે મિત્રને માથામાં ટાઇલ્સના ઘા મારી પતાવી દીધો હતો. હાલ તો પુણા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહાર અને પુણા વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં 30 વર્ષીય લાલુ મિથિલેશ યાદવ રહેતો હતો. ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લાલુ વતનની નજીકના ગામમાં રહેતા 20 વર્ષીય વિકી મનોજકુમાર યાદવનો મિત્ર હતો. બંને મિત્રો સાથે હરતા ફરતા રહેતા હતા. ગઈકાલે રાત્રે પણ બંને સાથે સિગારેટ પીવા માટે ગયા હતા.
સિગરેટ પીને પરત ફરતા સમયે બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈ ગયેલા વિકીએ લાલુના માથામાં ટાઇલ્સના ઘા મારી દીધા હતા. ત્યારબાદ લાલુને લોહી લુહાર હાલતમાં મિત્ર જ મિત્રને લઈને સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચી ગયો હતો. ત્યારબાદ તેની હાલત ગંભીર હતી અને પોલીસને મિત્ર પર જ શંકા ગઈ હતી. દરમિયાન લાલુનું મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, વિકીએ મૃતક લાલુને 19,000 રૂપિયા આપ્યા હતા. જે વિકી પરત માગી રહ્યો હતો પણ મૃતક લાલુ રૂપિયા આપવા માટે આનાકાની કરી રહ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને ઊંચકે રાઈ ગયેલા વિકીએ લાલુને ટાઇલ્સના ઘા મારીને પતાવી દીધો હતો. હાલ તો આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને હત્યાનો ગુનો નોંધી પુણા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.

