રિપોર્ટ@ઉના: 7 મહિનાથી ગુમ આધેડના કૂવામાંથી કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી

મૃતદેહ ઘરની આટલી નજીકથી મળતા અનેક સવાલો પણ ઊભા થયા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉના તાલુકાના કાજરડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા સાત મહિનાથી ગુમ થયેલા એક 55 વર્ષીય આધેડનો મૃતદેહ તેમની જ વાડી નજીક આવેલા એક અવાવરૂ કૂવામાંથી કંકાલ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરિવારજનો જેમને શોધવા માટે આખું સૌરાષ્ટ્ર ખૂંદી વળ્યા હતા, તેમનો જ મૃતદેહ ઘરની આટલી નજીકથી મળતા અનેક સવાલો પણ ઊભા થયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૃતક 55 વર્ષીય જીણાભાઈ કાળાભાઈ સોલંકી ગત 11/12/2025ના રોજ અચાનક ગુમ થયા હતા. પરિવારજનોએ તેમને શોધવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. ઉના, દીવ, બગદાણા અને જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ ગામો અને ધાર્મિક સ્થળોએ પરિવાર ભટકતો રહ્યો હતો. લાંબી શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન મળતા આખરે 7/2/2026ના રોજ ગુમસુધા અંગેની અરજી ઉના પોલીસને આપવામાં આવી હતી.

આ દરમિયાન આજે ગામના કોઈ વ્યક્તિને દુર્ગધ આવતા તેણે અન્ય ગામલોકોની મદદથી અવાવરૂ કૂવાની તપાસ કરતા તેમાંથી હાડપિંજર મળી આવ્યું હતું. સાત મહિનાના લાંબા સમયથી ગુમ થયેલા જીણાભાઈની પોતાની વાડીની નજીક જ આવેલા તેમના મોટાબાપાની વાડીના એક 15 ફૂટ ઊંડા અવાવરૂ અને પાણી વગરના કૂવામાંથી હાડપિંજર મળી આવતા ચકચાર મચી ગઈ હતી. લાંબો સમય વીતી ગયો હોવાથી મૃતદેહ સંપૂર્ણપણે કોહવાઈ ગયો હતો અને માત્ર હાડપિંજર જ બચ્યું હતું. ગામના આગેવાનો અને સગા-સંબંધીઓએ આ કંકાલને કોથળામાં ભરીને કૂવાની બહાર કાઢ્યું હતું અને હોસ્પિટલ પહોંચાડ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ કાજરડી ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ નાનુભાઈ ચારણીયા તેમજ તાલુકા પંચાયતના સભ્ય સામતભાઈ ચારણીયા સહિત સમાજના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર સ્થિતિ સંભાળી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી. આ ઘટનાથી ગામમાં શોક અને આશ્ચર્ય વ્યાપી ગયું છે.

આ અવાવરૂ અને પાણી વગરના કૂવામાં સાત માસ જેવા લાંબા સમયથી મૃતદેહ પડ્યો હોવા છતાં, આટલા સમય સુધી કોઈની નજર કેમ ન પડી અથવા કોઈને દુર્ગંધ કેમ ન આવી? આ બાબત ગામ લોકોમાં અનેક શંકા-કુશંકાઓ જન્માવી રહી છે.

હાલમાં જીણાભાઈના કોહવાયેલા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે જામનગર ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મોત પાછળનું સાચું કારણ સામે આવશે. આ અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી કોઈ અન્ય કાવતરું તે રિપોર્ટ બાદ સ્પષ્ટ થઈ શકશે. ઉના પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

જીણાભાઈ પોતાના પાંચ ભાઈઓમાં ત્રીજા નંબરના હતા. તેઓ કાજરડી ઝાંપા વિસ્તારમાં આવેલી પોતાની 2 વીઘા જમીન ખેડીને પત્ની સાથે ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારની સ્થિતિ પહેલેથી જ સંઘર્ષમય રહી છે. તેમનો એકમાત્ર પુત્ર લક્ષ્મણભાઈ એક વર્ષ પહેલાં જ ગંભીર બીમારીના કારણે મૃત્યુ પામ્યો હતો. તેમની બે દીકરીઓના લગ્ન થઈ ગયા હોવાથી તેઓ પોતાના સાસરે રહે છે. પુત્રના મોત બાદ ઘરમાં માત્ર પતિ-પત્ની જ સાથે રહેતા હતા, અને હવે જીણાભાઈના મોતે પત્નીને બિલકુલ એકલી કરી દીધી છે.