રિપોર્ટ@ઊંઝા: "વરિયાળી"ને સત્તાવાર રીતે પ્રતિષ્ઠિત GI ટેગ મળ્યો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઊંઝા "વરિયાળી"ને સત્તાવાર રીતે પ્રતિષ્ઠિત GI ટેગ મળ્યો છે. ગુજરાતના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ઊંઝાની વરિયાળીને હવે વૈશ્વિક ઓળખ મળી છે. ભારત સરકારની જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા "ઊંઝા વરિયાળી" ને સત્તાવાર રીતે પ્રતિષ્ઠિત GI ટેગ એનાયત કરવામાં આવ્યો છે. જીરા બાદ ઊંઝાની વરિયાળી પણ વિશ્વભરમાં આગવી બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થશે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઊંઝાના ચેરમેન દિનેશ પટેલના પ્રયત્નોથી આ સિદ્ધિ શક્ય બની છે. ઊંઝાની વરિયાળીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે તેઓ લાંબા સમયથી પ્રયત્નશીલ હતા. આ નિર્ણયથી સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પ્રતિષ્ઠિત GI ટેગ મળવો એ માત્ર ઊંઝા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે મહત્વપૂર્ણ છે. આ સિદ્ધિ ઊંઝાના ખેડૂતોની મહેનત અને વેપારીઓના વિશ્વાસનું પરિણામ છે. હવે ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત "ઊંઝા વરિયાળી" સત્તાવાર બ્રાન્ડ નેમ સાથે મળી શકશે, જેનાથી નકલી માલના વેચાણ પર પણ નિયંત્રણ આવશે.
ઊંઝાની વરિયાળીને આ વૈશ્વિક પ્લેટફોર્મ અપાવવામાં અનેક સંસ્થાઓનો સહયોગ રહ્યો છે. આ પ્રક્રિયાને સફળ બનાવવામાં ભારત સરકાર, ગુજરાત સરકારના બાગાયત અને ખેડૂત કલ્યાણ વિભાગ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ EDII ગુજરાતનો મહત્વનો ફાળો છે. APMC ઊંઝાની ટીમે તમામ સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

