રિપોર્ટ@વડોદર: ફાયર બ્રિગેડના ટેન્કરે અકસ્માત સર્જતા 10 વર્ષીય બાળકનું મોત, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરમાંથી અકસ્માતની 2 ભયાનક દુર્ઘટનઓ સામે આવી છે. શહેરમાં બે કલાકના ગાળામાં સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતોમાં 2 બાળોકના મોત નીપજ્યા છે. કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે પાણી ભરવા આવેલા ફાયર બ્રિગેડના ટેન્કરે અકસ્માત સર્જતા 10 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. બાળકના માતા પિતા સહિતના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતા વાતાવરણમાં આક્રંદ છવાયો હતો. જ્યારે અકસ્માતની બીજી ઘટના મકરપુરા વિસ્તારમાં બની હતી. જેમાં કાર અડફેટે આવી જતા સાત વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકીએ પાણી ભરવા આવેલા ફાયરબ્રિગેડના ટેન્કરે 10 વર્ષના નાનકડા બાળક દીપકને કચડી નાખ્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દીપક શ્રમજીવી પરિવારનો દીકરો હતો. તે પાણી લેવા માટે ટાંકી પાસે ગયો હતો અને રોડ પર ઊભો હતો ત્યારે ફાયર બ્રિગેડના ટેન્કરે તેને ટક્કર મારી હતી. ટેન્કરના પૈડાં નીચે આવી જતાં બાળકને ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટના સ્થળે જ થયું હતું.
મૃતક દીપકના પિતા દિનેશભાઈ તળપદાએ આક્ષેપ કર્યો છે કે, "મારો પુત્ર રોડ પર ઊભો હતો ત્યારે ટેન્કરે તેને કચડી નાખ્યો." પરિવારના સભ્યો આ ઘટનાથી ભારે આઘાતમાં છે. માતા ગીતાબેને આક્રંદ સાથે જણાવ્યું હતું કે, મારો દીકરો ઉભો હતો અને ટેન્કરવાળાએ તેના પર ગાડી ચડાવી દીધી હતી. અમે બુમાબુમ કરી તેમ છતાં તેને સાંભળ્યું નહોતું. પાણીના ટેન્કરવાળા એ મારા છોકરા ને મારી નાખ્યો.
ઘટના બાદ મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માતા-પિતા તથા અન્ય પરિવારજનોના હૈયાફાટ રુદનથી આખું હોસ્પિટલ પરિસર સન્નાટામાં ડૂબી ગયું હતું. માતા-પિતા અને નાના બાળકોએ પણ ભારે આક્રંદ કર્યું હતું. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.
વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા પિતા પોતાની બે દીકરીઓને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે ઈનોવા અને વેગનઆર કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ વેગનઆર કાર પોતાના એક્ટિવા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, એક્ટિવા પર સવાર જીયાન નામની 7 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક બાળકીનો આબાદ થયો હતો. રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, બાદમાં બંનેને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બાળકી જીયાનને મૃત જાહેર કરી હતી.મકરપુરા વિસ્તારમાં થયેલા અકસ્માત કેસમાં ઇનોવા ચાલક અને વેગન આર ચાલકની માંજલપુર પોલીસે અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ઇજાગ્રસ્ત પિતા લાલબાગ સ્વિમિંગ પુલમાં સફાઈ સેવા તરીકેનો ફરજ બજાવે છે. બંને બાળકો યાંશી સ્કૂલમાં અભ્યાસ કરે છે. મૃતક બાળકી જીયાન પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે અને મોટી બાળકી ધારા બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.

