રિપોર્ટ@વડોદરા: 16 વર્ષીય અનાથ સગીરા પર 6 શખસે અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય અનાથ સગીરા પર 6 શખસે અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના એક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય જે પાંચ યુવક છે તેમણે પણ સગીરા પર અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. સગીરાને પાંચથી છ મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે 6 યુવક સામે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં કરજણ ડિવિઝનના ડીવાયએસપી પી.એન. પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા યુવક રોહિત રાઠોડિયાને વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે પરિચય થયો હતો. એક વર્ષ પહેલાં રોહિત સગીરાને વારંવાર મળતો અને લગ્નની લાલચ આપી હતી અને ફોસલાવી પટાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા, જોકે યુવકે તેની સાથે લગ્ન કર્યા નહોતા. યુવકે સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
રોહિત અને સગીરા વચ્ચેના સંબંધોની જાણ થતાં પ્રેમ પરમાર, શૈલેષ ઉર્ફે અજય વસાવા, મનોજ વસાવા, સંજય રાઠોડ અને સાહિલ ઘાંચીએ સગીરાને મારી નાખવાની ધમકી આપતા હતા. મુખ્ય આરોપી રોહિત સાથેના સંબંધની બીજા 5 છોકરાને ખબર પડી ગઈ હતી. તેમણે સગીરાને ધમકી આપી હતી કે જો તે તેમની સાથે સંબંધ નહીં રાખે તો તેઓ આ વાત જાહેર કરી દેશે અથવા તેને જાનથી મારી નાખશે. આવી ધમકીઓ આપીને અલગ-અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 10 ફેબ્રુઆરી 2025થી 20 ડિસેમ્બર 2025 દરમિયાન યુવકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીઓ અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળે સગીરાને લઈ જતા હતા. સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી. તેને હાલ પાંચથી છ મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે, જેની જાણ સગીરાએ પરિવારને કરતાં આખરે મામલો વરણામા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ મામલે 6 આરોપી યુવક સામે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સગીરાનાં માતા-પિતાનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, જેથી તે તેના સંબંધી સાથે રહે છે. તેણે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને અત્યારે ભણતી નથી. સગીરા અનુસૂચિત જાતિની છે. જેથી આ મામલે વરણામા પોલીસે દુષ્કર્મ અને પોકસો સિવાય એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસે સગીરાના મેડિકલ કરાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કરજણ ડિવિઝનના DySP પી. એન. પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે અને ટીમો બનાવીને 6 આરોપીની શોધખોળ શરૂ કરી છે.

