રિપોર્ટ@વડોદરા: 2 યુવકે મિત્રના વિરહમાં એક બાદ એક જીવન ટૂંકાવ્યું

એક ટ્રેન નીચે કૂદ્યો તો બીજાએ ફાંસો ખાધો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરામાં મિત્રતા અને વિરહની એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. દોસ્તીના વિરહનો આઘાત સહન ન થતાં બે યુવાનોએ એક પછી એક મોતની સોડ તાણી લીધી છે. આ ઘટનામાં સોશિયલ મીડિયા પર મુકાયેલું એક સ્ટેટ્સ 'મેં તેરે પાસ આ રહા હું' સાચું સાબિત થયું છે, અને એક દોસ્ત ખરેખર તેના ગુમાવેલા મિત્ર પાસે કાયમ માટે ચાલ્યો ગયો છે.

મૂળ બિહારનો અને હાલ વડોદરાના માણેજા વિસ્તારમાં રહીને મકરપુરા GIDCમાં ફાઈટર તરીકે કામ કરતો રવિશંકર રાજેશકુમાર પ્રસાદ નામનો યુવાન સામાન્ય જીવન જીવી રહ્યો હતો. પરંતુ, 11 જૂનના રોજ તેના વતન બિહારમાં રહેતા તેના એક પરમ મિત્રએ આપઘાત કરી લીધો હોવાના સમાચાર તેના સુધી પહોંચ્યા. આ સમાચાર સાંભળતા જ રવિશંકરના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે મિત્રના મોતના આઘાતમાં સરી પડ્યો.

મિત્રના વિરહમાં પાગલ બનેલા રવિશંકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૃત મિત્રના પાર્થિવ દેહનો ફોટો મૂકીને હૃદય કંપાવી દેનારું સ્ટેટ્સ લખ્યું હતું કે, ‘મેં તેરે પાસ જલ્દ આ રહા હું...’ અને આ સ્ટેટ્સ મૂક્યા બાદ, 11 જૂનના રોજ જ તેણે મકરપુરા રેલવે સ્ટેશન નજીક માલગાડી સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. રેલવે પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

હજુ તો રવિશંકરના મોતના આઘાતમાંથી તેનો પરિવાર બહાર આવે અને તેનો મૃતદેહ વતન લઈ જવાની તૈયારી થાય તે પહેલાં જ, દોસ્તીના વિરહનો બીજો કરૂણ અધ્યાય શરૂ થયો. રવિશંકરની સાથે જ એક જ રૂમમાં રહેતો અને મૂળ યુપીનો તેનો ગાઢ મિત્ર વિકાસ દિનેશ પ્રસાદ રવિશંકરના આવા અચાનક મોતના આઘાતને સહન ન કરી શક્યો.

જે મિત્ર સાથે રોજ રાત્રે સાથે રસોઈ બનાવીને ખાતા હતા, તે મિત્ર હવે આ દુનિયામાં નથી રહ્યો તે વાત વિકાસ પચાવી ન શક્યો. ગંભીર માનસિક તણાવમાં આવી ગયેલા વિકાસે 12 જૂનના રોજ, રવિશંકરના આપઘાતના બરાબર બીજા જ દિવસે, પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો. મકાન માલિકના જણાવ્યા મુજબ, બંને મિત્રો લાંબા સમયથી ત્યાં રહેતા હતા અને ખૂબ જ હળીમળીને રહેતા હતા, પરંતુ સાથી મિત્રના જવાથી વિકાસ તણાવમાં આવી ગયો હતો. અમને આ ઘટનાની સવારે જ ખબર પડી હતી, જ્યારે અમારા પાડોશીએ દરવાજો ખખડાવીને જણાવ્યું હતું .

એક જ રૂમમાં સાથે રહેતા બે કમાતા-ધમાતા નવયુવાનોના એક પછી એક રહસ્યમય આપઘાતથી માણેજાના શ્રીજીનગર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રવિશંકરના આપઘાત પાછળનો હેતુ સોશિયલ મીડિયા સ્ટેટ્સથી સ્પષ્ટ છે, પરંતુ વિકાસના આપઘાત પાછળ માત્ર મિત્રનો વિરહ છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બિહાર અને યુપીથી બંને યુવાનોના કમનસીબ પરિવારો 13 જૂનના રોજ વડોદરા આવી પહોંચશે, જેમના આવ્યા બાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી બંનેના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવશે. બે મિત્રોની આવી જીવલેણ દોસ્તી અને કાળજું કંપાવી દેનારા અંતે સમગ્ર વડોદરાને શોકમગ્ન કરી દીધું છે.