રિપોર્ટ@વડોદરા: 17 વર્ષીય સગીરનો અગમ્ય કારણોસર આપઘાત, કયા કારણે આવું પગલું ભર્યું ?

પરિવાર અને સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા શહેરમાંથી આત્મહત્યાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોનીમાં રહેતા 17 વર્ષીય એક સગીરે પોતાના ઘરના ઉપરના માળે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ શોધવા વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક સગીરની ઓળખ આતિશ વિરેન્દ્ર ચૌધરી તરીકે થઈ છે. તેણે તાજેતરમાં જ ધોરણ 11ની પરીક્ષા પાસ કરી હતી અને ધોરણ 12માં પ્રવેશ મેળવ્યો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ કોઈ અગમ્ય કારણોસર તેણે ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો, જેને પગલે પરિવાર અને સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

આ ઘટના બની ત્યારે આતિશ ઘરમાં બિલકુલ એકલો હતો. થોડા સમય બાદ તેના કાકા જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમણે ભત્રીજાને લટકતી હાલતમાં જોયો હતો. કાકાએ બૂમાબૂમ કરતાં આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરના આત્યંતિક પગલાં પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, પરિવારજનોના નિવેદન લેવા અને આપઘાતના કારણો સ્પષ્ટ કરવા માટેની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.