રિપોર્ટ@વડોદરા: જ્યુસના નાના ટેટ્રાપેકમાંથી બે ઈંચ લાબું જીવડું નીકળ્યું, જાણો વધુ વિગતે

3 વર્ષીય બાળકે જ્યુસ પીધા બાદ તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરામાં જ્યુસના નાના ટેટ્રાપેકમાંથી બે ઈંચ લાબું જીવડું નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. 3 વર્ષીય બાળકે જ્યુસ પીધા બાદ તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પિતાએ હોસ્પિટલમાં જ ટેટ્રાપેક ખોલીને ચેક કરતા અડધા ઈંચ કરતા મોટું જીવડું મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બાળકના પિતા દ્વારા આ મામલે કાર્યવાહીની માગ કરી છે.

બાળકના પિતા અરવિંદ પરમારે જણાવ્યું કે, ગઈકાલે સાંજે સાડા સાતથી આઠ વાગ્યાની આસપાસ ટેટ્રાપેક લીધું હતું. જેની એક્સપાયરી તારીખ મે મહિનાની હતી. બાળકે થોડી પીધા તેણે ગ્લાસમાં કાઢવાનું કહ્યું હતું. બાદમાં ગ્લાસમાં કાઢતાં કાળા રંગનું પ્રવાહી અને બદબૂ આવી હતી. બાદમાં શંકા થતાં પરિવાર તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ પહોંચ્યો હતો.

ડોક્ટરોએ પેકિંગ તપાસવા કહ્યું તો તેમાં મોટું જીવડું મળી આવતા ડોક્ટર અને માતા પિતા ચોંકી ઊઠ્યા હતા. બાળકને કોઈ ઝેરીની અસરના ભયથી તાત્કાલિક આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. ડોક્ટરોએ 48થી 72 કલાક સુધી દેખરેખ હેઠળ રાખવાનું કહ્યું છે. બાળકે આખી બોટલ પી લીધી હોત તો પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું હોત. આજે મારો દીકરો આ પરિસ્થિતિનો ભોગ બન્યો છે.

બાળકના પિતાએ વાલીઓને અપીલ કરી કે, બાળકોને ઠંડું પીણું આપતી વખતે બંધ બોટલને બદલે પારદર્શક બોટલ કે ગ્લાસમાં જ પીવડાવો જેથી અંદરનું સ્પષ્ટ દેખાય. જે આ વસ્તુ બનાવે છે તે કંપનીઓને પણ અપીલ કરી કે, એવા પીણાં પારદર્શક બનાવો કે અંદરથી આરપાર દેખાય અને એક્સપાયરી તારીખ ઓછામાં ઓછી રાખો – જેમ કે દૂધની 2-3 દિવસની હોય છે તેવી રીતે હોવું જોઈએ. આ બાબતે અરવિંદ પરમારે ગઈકાલે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નિવેદન લીધું છે અને પેકેટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં મોકલવાનું કહ્યું છે.