રિપોર્ટ@વડોદરા: હોટેલમાં યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, કયા કારણે આવું પગલું ભર્યું ?

ફાયરની ટીમે દરવાજો તોડીને અંદર તપાસ કરતા યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા શહેરમાંથી આત્મહત્યાની ઘટના સામે આવી છે.વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા સયાજીગંજ વિસ્તારની 'સાઈ કૃપા' હોટેલમાં એક યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતકની બેગમાંથી યુવતીનું આઈડી કાર્ડ અને આપઘાત માટે યુવતીના દુપટ્ટાનો ઉપયોગ કરાયો હોવાથી આ મામલો વધુ ગૂંચવાયો છે.

મૃતક યુવક પંચમહાલ જિલ્લાનો રહેવાસી જયેન્દ્રકુમાર લુહાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જયેન્દ્રકુમાર ગત સોમવારે સવારે 8 વાગ્યે હોટેલમાં રોકાયા હતા. નિયમ મુજબ તેમણે સોમવારે સવારે ચેક-આઉટ કરવાનું હતું, પરંતુ તેઓ રૂમની બહાર ન નીકળતા હોટેલ સ્ટાફને શંકા ગઈ હતી. વારંવાર દસ્તક આપવા છતાં રૂમ ન ખૂલતા અંતે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમે દરવાજો તોડીને અંદર તપાસ કરતા યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

સયાજીગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, જેમાં કેટલાક ચોંકાવનારા મુદ્દાઓ સામે આવ્યા છે. જેમાં યુવકે આપઘાત કરવા માટે કોઈ અન્ય વસ્તુના બદલે યુવતીના દુપટ્ટાનો ઉપયોગ કર્યો છે. પોલીસને મૃતકની બેગની તલાશી લેતા તેમાંથી એક યુવતીનું વોટર આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે. આ પુરાવાઓને આધારે એવી અટકળો લગાવાઈ રહી છે કે આ પ્રેમ પ્રકરણ અથવા કોઈ યુવતી સાથેના વિવાદને કારણે લેવાયેલું પગલું હોઈ શકે છે.

સયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ હોટલના સીસીટીવી ફૂટેજ અને યુવકના મોબાઈલ કોલ ડિટેલ્સની પણ તપાસ કરી રહી છે.