રિપોર્ટ@વડોદરા: ભાજપના બે જૂથ વચ્ચે લોહીયાળ મારામારી, 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં ભાજપના જ બે જૂથો સોશિયલ મીડિયા પોસ્ટ પરની કોમેન્ટને લઈ આમને-સામને આવી ગયા. જાહેર રસ્તા પર જ બંને જૂથના લોકોએ છુટ્ટાહાથની મારામારી કરી એકબીજાના કપડા ફાડી નાખ્યા. કેટલાક લોકો લોહીલુહાણ થતા સારવાર માટે ખસેડાયા. મારમારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલના ફેસબુક પેજ પર કરવામાં આવેલી એક પોસ્ટ પરની કોમેન્ટને લઈ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારી થયાનું સામે આવ્યું છે. સૂત્રોના મતે બંને જૂથો વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી છે. જેમાં સોશિયલ મીડિયા પર થયેલી કોમેન્ટે આગમાં ઘી નાખવાનું કામ કર્યું.
ઈજાગ્રસ્ત પરેશ પટેલે જણાવ્યું કે, ભીલાપુર ગામની ભાગોળે ડેપ્યુટી સરપંચ અને અન્ય લોકો બેઠા હતા.ત્યારે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલ અને તેમના સાથીદારો ત્યાં પહોંચ્યા હતા. ફેસબુક પર દારૂ-જુગાર બાબતે મૂકેલી પોસ્ટમાં મે કોમેન્ટ કરી હતી જે બાબતે બોલાચાલી કરતા હતા ત્યારે જ પાછળથી આવીને કોઈએ મારા માથામાં મારી દીધું. જેના કારણે મારી બેભાન જેવી સ્થિતિ થઈ ગઈ.
વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલે જણાવ્યું કે, ભીલાપુર વિસ્તારના સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ થતા વિવાદ થયો હતો. જે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ગામના રેશનકાર્ડધારકોએ કુપન ન મળવાની સમસ્યા અંગે ગ્રામજનોની રજૂઆત બાદ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી. અમે અનાજના સંચાલકના લાયસન્સ રદ્દ થવા મુદ્દે થયેલા વિવાદ અંગે રજૂઆત કરી હતી. સરપંચ અને ગ્રામજનો સાથે આયુષ્માન કાર્ડના કેમ્પ અંગેની બેઠક પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ગામથી આશરે 200 મીટર દૂર ગાડી રોકીને 8થી 10 લોકોના ટોળાએ અચાનક ઘેરાવ કર્યો હતો. ગાડીના દરવાજા ખોલીને અંદર બેઠેલા લોકોને બહાર ખેંચી મારામારી કરી હતી.
તેઓ આગળ કહે છે, સમગ્ર ઘટના દરમિયાન મોબાઇલથી વીડિયો બનાવવાનો પ્રયાસ કરતાં જ સંચાલક અને તેમની સાથેના લોકોએ મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને વીડિયો ડિલીટ કરવા માટે દબાણ કર્યું હતું. ઘટના અંગે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. સામે પક્ષે સંચાલક કિરણ પટેલ અને પરેશ પટેલ સહિતના લોકો હાજર હતા. આ હુમલામાં અમારા સમર્થક રઘુવીરસિંહ ઠાકોર અને નવજોતસિંહ ઠાકોર ઇજાગ્રસ્ત થયા હતા, જેમને વડોદરા ખાતે સારવાર અને સીટી સ્કેન માટે ખસેડવામાં આવ્યા હતા. રાશનની દુકાનના સંચાલકનું લાયસન્સ રદ્દ થવાના ગુસ્સામાં અને "મોટા નેતા થઈ ગયા છો" કહીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
4 ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા
મારામારીની ઘટનામાં 4 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ડભોઇ પોલીસ તાત્કાલિક ભીલાપુર ગામે પહોંચી હતી. પોલીસે ઘટના અંગે સ્થળ તપાસ હાથ ધરી બંને પક્ષોની માહિતી મેળવવાની શરૂઆત કરી છે. સમગ્ર ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને કોની સામે કાર્યવાહી થશે તે અંગે પોલીસ બાદ સ્પષ્ટતા થશે.

