રિપોર્ટ@વડોદરા: હરણી લેકઝોન બોટ દુર્ઘટનાને 6 મહિના પૂર્ણ થયા, પીડિત પરિવારે કોંગ્રેસ સાથે મળી ધરણાં કર્યાં, ન્યાય મળ્યો નથી
હજી ન્યાય મળ્યો નથી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરામાં ઘટેલી બોર્ટ દુર્ઘટનાએ કેટલાક માસુમ બાળકોના મોત થયા હતા. આ ઘટના યાદ કરીને હૃદય કંપી ઉઠે છે. માસુમ બાળકોના મોતની ચીસો આજે પણ ગુંજી રહી છે. હજુ પણ તેમને ન્યાય મળ્યો નથી. વડોદરામાં 18 જાન્યુઆરીના રોજ થયેલા હરણી લેકઝોન બોટ દુર્ઘટનાને આજે (18 જુલાઈ, 2024) 6 મહિના પૂર્ણ થયા છે, ત્યારે પીડિત પરિવારની સાથે રહીને કોંગ્રેસે આજે વડોદરાના ગાંધી નગરગૃહ ખાતે ધરણા યોજ્યા હતા. આ સમયે પોલીસ પરવાનગી ન હોવાથી પોલીસે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. મૃતકની માતા મેજબીન શેખે આક્રંદ સાથે કહ્યું હતું કે, ઘટનાને છ મહિના થયા છે, પણ અમારા સંતાનોને ન્યાય મળ્યો નથી. બાળકો તો અમારા ગયા છે, જેથી અમને વેદના થાય છે.
મૃતક બાળક મુઆવિયાના માતા મેજબીન શેખે જણાવ્યું હતું કે, હરણી બોટ દુર્ઘટનાને આજે 6 મહિના પુરા થઇ ગયા છે. 18 જાન્યુઆરીના રોજ હરણી બોટ દુર્ઘટનામાં મેં મારો 7 વર્ષીનો દીકરા મુઆવિયાને ગુમાવ્યો હતો. સ્કૂલવાળાઓએ અમને જાણ કરી જ નહોતી કે, અમે હરણી તળાવ લઇ જવાના છે. તેઓએ કોઇ પણ પ્રકારની સુરક્ષા રાખી નહોતી. ત્યાં લેકઝોન ઉપર લઇ ગયા હતા અને બોટમાં બેસાડવાની વાત પણ અમને કરી નહોતી. અમારી માંગણી છે કે, સ્કૂલ સામે એફઆઇઆર કરવી જોઇએ અને પ્રિન્સિીપાલ સહિત સ્કૂલના ગુનેગારોને પકડવા જોઇએ.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમને હજી સુધી ન્યાય મળ્યો નથી, અમને ન્યાય ક્યારે મળશે, એની ખબર નથી. અમારી માંગણી છે કે, આ કેસમાં જવાબદાર બધા આરોપીઓને પકડીને કડકમાં કડક સજા અપાવો. જેથી કાલે ઉઠીને બીજા કોઇના બાળકો સાથે આવું ન થાય. અમારા તો બાળકો ગયા છે, જેથી અમને વેદના થાય છે. બીજા છોકરાઓને કશું થવું ન જોઇએ.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, આજે 18 જુલાઇ, હરણી બોટકાંડ જે માનવ સર્જીત હત્યાકાંડ થયો હતો એની અર્ધવાર્ષિક પુણ્યતિથી છે. તેમ છતાં પીડિત પરિવારોની માંગણી પરિવારોની માંગણી પ્રમાણે ફરિયાદો લેવામાં આવી નથી, શાળાના સંચાલકો, જિલ્લા શિક્ષણાધિકારી હોય કે, મોટા મોટા આગેવાનો અને અધિકારીઓ સામે જે કાર્યવાહી થવી જોઇએ તે થઇ નથી. જેથી પીડિત પરિવાર અને કોંગ્રેસ દ્વારા ધરણા પર બેઠા હતા, પરંતુ અમારા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. આવનારા દિવસોમાં મહાત્મા ગાંધીજીના રસ્તે સત્યાગ્રહ કરવાની જરૂર પડશે, તો પણ કરીશું. લોકશાહી ઢબે અમે અમારું આંદોલન ચલાવી રહ્યા છીએ. અમે આજના કાર્યક્રમની 48 કલાક પહેલા પોલીસ પરવાનગી માંગી હતી, પરંતુ પરવાનગી આપી નહોતી. ભાજપના કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી દેખાવો કરે અને ભાજપના નેતાના નામ સાથે ફરિયાદ આપી છે, તેમ છતાં કોઇ નેતાની અટકાયત કરી નથી અને ફરિયાદ પણ નોંધી નથી.
તેઓએ ઉમેર્યુ હતું કે, આજે અમે પીડિત પરિવાર સાથે તેમને ન્યાય અપાવવા બેઠા છીએ. અમે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ કરી રહ્યા છીએ, તેમ છતાં પરવાનગી આપતા નથી, જેથી આ લોકશાહી છે? તે મોટો પ્રશ્ન છે.
ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરો ધરણા પ્રદર્શન માટે ભેગા થયા છે, પરંતુ આ ભીડભાડ વાળો વિસ્તાર છે, જેથી ટ્રાફિકની સમસ્યાના કારણે કાર્યક્રમને પરમિશન આપવામાં આવી નથી. તેમ છતાં કાયદાનું ઉલ્લઘંન કરીને આ લોકો ધરણા પર બેઠા હતા, કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે.