રિપોર્ટ@વડોદરા: ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં રિમોટવાળી પતંગે રંગ જમાવ્યો, જાણો વધુ વિગતે

અમેરિકા સહિત 18 દેશના 52 પતંગબાજો વડોદરામાં આવ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરામાં નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 18 દેશના 52 તેમજ 11 રાજ્ય અને સ્થાનિક 100 પતંગબાજ અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી રહ્યા છે. સાંજે 4 વાગ્યા સુધી પતંગોત્સવ ચાલશે.

વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત કરાયેલા પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, બ્રાઝિલ, ચીલી, કોલમ્બિયા, ડેનમાર્ક, રિપબ્લિક ઓફ કોરિયા, લેબેનોન, લિથુઆનિયા, નેપાલ, રશિયન ફેડરેશન, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સ્વીડન, થાઈલેન્ડ, યુક્રેન અને અમેરિકાના 52 પતંગ બાજો ભાગ લેશે. આ ઉપરાંત ભારતના બિહાર, ઓરિસ્સા, સિક્કિમ, રાજસ્થાન, તામિલનાડુ સહિત સ્થાનિક 100 પતંગબાજો ભાગ લીધો.

વડોદરાના પતંગબાજ પ્રિન્સ પંચાલે જણાવ્યું હતું કે, મેં જે પતંગ બનાવી છે તેને 'રેડિયો કન્ટ્રોલ્ડ' કાઇટ કહેવામાં આવે છે. આ પતંગ સંપૂર્ણપણે રિમોટ કન્ટ્રોલ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેને આપણે હવામાં 1 કિલોમીટરની રેન્જ સુધી આરામથી ઉડાવી શકીએ છીએ. ઘણીવાર પતંગ ઉત્સવ દરમિયાન પવન ન હોય ત્યારે લોકો નિરાશ થઈને બેસી જાય છે. પરંતુ આ પતંગ સાથે પવનની જરૂર પડતી નથી, ગમે ત્યારે ઉડાવીને પૂરેપૂરો આનંદ માણી શકાય છે. આ ઉપરાંત સામાન્ય પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થતી હોય છે. આ પતંગ રિમોટથી ચાલતી હોવાથી હવામાં ઊડતા પક્ષીઓને કોઈ નુકસાન થતું નથી, જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ સારું છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલી ડેનમાર્કની પતંગબાજ એમ્માએ જમાવ્યું હતું કે, અહીંનો પતંગ ઉત્સવ ખૂબ જ સરસ છે! અહીંના રંગો ખૂબ જ સરસ છે અને લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળે છે. અમે પણ એટલા જ ઉત્સાહિત છીએ અને અમે અમારી સાથે જે પતંગો લાવ્યા છીએ તે અહીંના લોકોને બતાવવા માટે હવે અમે વધુ રાહ જોઈ શકતા નથી.