રિપોર્ટ@વડોદરા: કેશ ડિપોઝિટ મશીનમાં શખ્સે 500ની 17 નકલી ચલણી જમા કરાવી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરની એક્સિસ બેંકની નિઝામપુરા શાખામાં કેશ ડિપોઝિટ મશીનમાં જમા કરાયેલી રૂ.500ની 17 નોટો નકલી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે બેંકના અધિકારીએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે ગ્રાહક રાજપુરોહિત વિક્રમસિંહ ઇંદ્રસિંહ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
એક્સિસ બેંકની સુભાનપુરા શાખાના બલ્ક કેશ પોઈન્ટ ઇન્ચાર્જ સમીરકુમાર વિનોદકુમાર પંચોલીની ફરિયાદમાં અનુસાર 1 જાન્યુઆરીના રાત્રે 8:07 વાગ્યે નિઝામપુરા શાખાના CDMમાં રાજ પુરોહિત વિક્રમસિંહ ઇંદ્રસિંહએ રૂ. 44,500ની રકમ જમા કરી હતી. જેમાંથી ત્રણ નોટો ખરાબ હોવાને કારણે મશીનમાંથી પરત આવી ગઈ હતી, જ્યારે રૂ. 500ની 17 નોટો મશીનના URJB માં જમા થઈ ગઈ હતી. પરિણામે, ગ્રાહકના સેવિંગ્સ માત્ર 34,500 રૂપિયા જ જમા થયા હતા.
બેંકના વેન્ડર હિટાચી કેશ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રા. લિ.ના કર્મચારી જૈનીલ શાહે તા. 3 જાન્યુઆરીના સવારે CDMમાંથી કેશ કાઢી ત્યારે આ નકલી નોટો મળી આવી હતી. તેઓએ આ નોટોને સુભાનપુરા શાખામાં પહોંચાડી હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે, આ નોટો પર 'કાઉન્ટરફિટ બેંક નોટ ઇમ્પાઉન્ડેડ'નો સ્ટેમ્પ મારવામાં આવ્યો છે અને તેના પર બેંક અધિકારીઓની સહી તથા તારીખ લખેલી છે. નોટો પર હિન્દી અને અંગ્રેજીમાં 'ભારતીય રિઝર્વ બેંક', 'પાંચ સો રૂપિયા' અને 'રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા' જેવા શબ્દો લખેલા છે, પરંતુ તે નકલી હોવાનું મશીને શોધી કાઢ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે અને બેંકના કર્મચારીઓ તથા અન્ય સાક્ષીઓના નિવેદનો લેવામાં આવશે. RBIના નિયમો અનુસાર, 5 કરતાં વધુ નકલી નોટોના કેસમાં કાયદેસરની કાર્યવાહી ફરજિયાત છે. પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

