રિપોર્ટ@વડોદરા: સૂર્યા નદીમાં માછલી પકડવા ગયેલા વૃદ્ધ અચાનક તણાયા, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં બાહરે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદીઓ બે કાઠા વહી રહી છે. વડોદરાના વાઘોડિયા તાલુકાના રસુલાબાદ પાસેથી પસાર થતી સૂર્યા નદીમાં માછલી પકડવા ગયેલા વૃદ્ધ અચાનક તણાવા લાગ્યા હતા. જે બાદ નદીની વચ્ચે રહેલાં ગાંડા બાવળને વૃદ્ધે પકડી લેતા વધુ તણાતા અટક્યા હતાં. વૃદ્ધ બે કાંઠે વહેતી સૂર્યા નદીમાં અડધો કલાક સુધી બાવળના સહારે પાણીમાં જ રહ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી વૃદ્ધને નદીમાંથી રેસ્ક્યૂ કર્યા હતાં. ઘણા સમય સુધી પાણીમાં રહેવાના કારણે વૃદ્ધ ધ્રુજી રહ્યાં હતા, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. વૃદ્ધ જ્યારે નદીમાં ફસાયા હતા, ત્યારે આસપાસના લોકોએ 'ઓ કાકા...' કહીને બૂમો પડી હતી. ઉલ્લેખનીય છે કે, આ વૃદ્ધનું કોઈ વાલી-વારસ નથી.
જરોદ પોલીસ સ્ટેશનના PI એ. જે. બારોટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાઘોડિયા તાલુકાના વ્યંકટપૂરા ગામના રહેવાસી 65 વર્ષીય મંગળભાઈ નાથાભાઈ ભાલીયા ગઈકાલે (29 જુલાઈ) રસુલાબાદ પાસે આવેલી સૂર્ય નદીમાં માછલી પકડવા માટે જાણી નાખીને આવ્યા હતાં. આજે તેઓ જાળી ખેંચવા માટે નદીમાં ઉતર્યા હતાં. આ સમયે તેમનો પગ અચાનક લપસી જતાં તેઓ નદીના ધસમસતા પાણીમાં તણાવા લાગ્યાં હતાં. જેથી તેઓએ નદીમાં રહેલા ગાંડા બાવળને પકડી લીધો હતો અને બૂમાબૂમ કરી મૂકી હતી.
જેથી આસપાસના સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને વૃદ્ધને તણાતા જોઈને તુરંત જ સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આ વિસ્તાર વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આવે છે, પરંતુ એક જીવ બચાવવાની વાત હોવાથી અમે એકપણ ક્ષણનો વિચાર કર્યા નહોતો. અમારી ટીમ સાથે રસુલાબાદ આવેલી સૂર્ય નદી પરના બ્રિજ પર પહોંચી ગયા હતા.
આ વૃદ્ધ અડધો કલાકથી નદીમાં બાવળના જાડને પકડીને બેસેલા હતાં અને તેના કારણે જ તેમનો જીવ બચી ગયો હતો. જ્યાં અમે સ્થાનિક તરવૈયાઓને બોલાવીને ઓપરેશન હાથ ધર્યું હતું. દોરડાથી બાંધીને સ્થાનિક તરવૈયાઓને નદીમાં ઉતાર્યા હતા અને 15 મિનિટની જહેમત બાદ વૃદ્ધને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમયે વૃદ્ધ એકદમ ગભરાઈ ગયેલા હતા અને ધ્રુજી રહ્યા હતા. જેથી અમે તેમને તુરંત જ પોલીસ સ્ટેશન લઈ જઈ અને તેમના કપડા બદલાવ્યાં હતા. સાથે જ તેમને ચા-નાસ્તો કરાવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સને બોલાવીને તેમની સ્થળ પર જ સારવાર કરાવી હતી.
આ ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પણ ફોન આવ્યો હતો અને તેઓએ એનડીઆરએફ સહિત તંત્રની મદદ મોકલવાની તૈયારી દર્શાવી હતી. જો કે, સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે વૃદ્ધને બચાવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા વાઘોડિયાની જરોદ પાસે ભાથુજી મહારાજના મંદિર ઉપર ફસાયેલા સાત લોકોને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ સમયે પણ જરોદ પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી કરી હતી. આ ઉપરાંત તે દિવસે જ પાણીમાં ફસાયેલા એક બાઇકચાલકને પણ રેસ્ક્યૂ કરીને બચાવ્યો હતો.