રિપોર્ટ@વડોદરા: NH-48 પર જાંબુવા બ્રિજ પાસે એસિડ ભરેલું ટેન્કર સળગ્યું, કયા કારણે આગ ભભૂકી?

આગ વિકરાળ બનતા ચાર કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી.
 
રિપોર્ટ@વડોદરા: NH-48 પર જાંબુવા બ્રિજ પાસે એસિડ ભરેલું ટેન્કર સળગ્યું, કયા કારણે આગ ભભૂકી?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા શહેરમાંથી આગ લાગવાની ઘટના સામે આવી છે. પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 જાંબુઆ બ્રિજ પર ગતમોડી રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. ટેન્કરમાં કેમિકલ ભરેલ હોવાનો ફાયર વિભાગને કોલ મળતા 5 ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે અંદર એસિડ હોવાનું સામે આવ્યું હતું અને આગ વિકરાળ બનતા ચાર કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ટેન્કરના ટાયરમાં બૂસ્ટર જામ થવાથી આગ લાગી હતી, જે ઝડપથી આખા ટેન્કરમાં ફેલાઈ ગઈ હતી. ટેન્કરમાં ‘બેસ્ટ’ નામનું એસિડ ભરેલું હોવાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે હડકાટ ફેલાયો હતો. આ ટેન્કર રાજસ્થાનથી દહેજ તરફ જઈ રહ્યું હતું. આગ લાગતાં નેશનલ હાઈવે પર દૂર સુધી જવાળાઓ દેખાવા લાગી હતી.

આગ અંગેની જાણ થતાં GIDC ફાયર સ્ટેશનની ટીમ સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પાણીગેટ, ERC, TP-13 અને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમો પણ ત્યાં પહોંચીને આગ બુઝાવવાના કામે લાગી ગઈ હતી. પાંચ ફાયર વિભાગની ટીમોએ ચાર કલાકની સતત અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે નેશનલ હાઈવે પર વાહન-વ્યવહારને અસ્થાયી રૂપે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

આ ભીષણ આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. જોકે, ટેન્કરમાં ભરેલા આશરે 23 ટન એસિડ સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. આગના કારણે ટેન્કર પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે.