રિપોર્ટ@વડોદરા: યુવકે લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો, હાલત ગંભીર, કયા કારણે આવું પગલું ભર્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરમાંથી હદય કંપાવતી આત્મહત્યાની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર નજીક લામડાપુરા કેનાલ પાસે ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસ અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મંજુસરમાં રહેતા 22 વર્ષીય પરપ્રાંતીય યુવક રણજીતભાઈ ચૌધરીએ ગૃહકલેશના કારણે રિવોલ્વર વડે પોતાની જાતે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળી માર્યા બાદ યુવકે હથિયાર કેનાલમાં ફેંકી દીધું હતું અને પોતે રોડ પર લોહીલુહાણ હાલતમાં કણસતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ઘટનાની વિગતો મુજબ, ઇજાગ્રસ્ત યુવક રણજીત ચૌધરી હથિયાર સાથે કેનાલ પાસે પહોંચ્યો હતો. પારિવારિક ઝઘડા અથવા ગૃહકલેશથી કંટાળીને તેણે પોતાની જાત પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગ્યા બાદ પુરાવાનો નાશ કરવા અથવા અન્ય કોઈ કારણોસર તેણે રિવોલ્વર કેનાલના પાણીમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક રોડ પર તરફડતી હાલતમાં પોલીસને મળી આવ્યો હતો.
આ ચોંકાવનારી ઘટનાના પગલે મંજુસર પોલીસ સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે કેનાલની આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. આ સાથે જ ઘટનાની તપાસ કરવા માટે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે, જેણે સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે.
ગંભીર રીતે ઘાયલ થયેલા 22 વર્ષીય રણજીત ચૌધરીને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ આત્મહત્યાના પ્રયાસનો ગુનો નોંધીને યુવકે વાપરેલું હથિયાર ક્યાંથી આવ્યું અને કેનાલમાં કઈ જગ્યાએ ફેંકાયું છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.

