રિપોર્ટ@વલસાડ: ભારે વરસાદના કારણે મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે ડેમના 10 પૈકી 8 દરવાજા 4 મીટર સુધી ખોલીને તબક્કાવાર 1,24,764 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડ્યું છે. ડેમની જળસપાટી 73.40 મીટર પર પહોંચી છે.પૂર્ણા બાદ હવે નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતુર બની છે. ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં 17 ઈંચ, નવસારીમાં 15 ઈંચ, સુરત શહેરમાં 14 ઈંચ, કપરાડામાં 13 ઈંચ અને જલાલપોરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40.01 ટકા ભરાઈ ચૂક્યા છે, જેને પગલે 11 ડેમ હાઇ એલર્ટ અને 4 ડેમ એલર્ટ પર છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે.

