રિપોર્ટ@વલસાડ: દરિયાકિનારેથી 46 વર્ષીય રત્નકલાકારનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વલસાડના તિથલ દરિયાકિનારે પથ્થરો વચ્ચેથી સુરતના 46 વર્ષીય રત્નકલાકાર ભરતભાઈ પટેલનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. વલસાડ સિટી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, પરંતુ પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા અપાયેલા પ્રોવિઝનલ ડેથ સર્ટિફિકેટ મુજબ, ભરતભાઈના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તબીબોએ જણાવ્યું છે કે FSL અને હિસ્ટો-પેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પૂરતું મોતનું કારણ 'પેન્ડિંગ' રાખવામાં આવ્યું છે.

મૃતક ભરતભાઈ હરજીભાઈ પટેલ હીરા ઘસવાનું કામ કરતા હતા. તેઓ ઘરેથી ઓફિસે જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ કોઈને જાણ કર્યા વગર વલસાડ પહોંચી ગયા હતા.

ઘટનાસ્થળેથી પોલીસને કાળા રંગની ટિફિન બેગ મળી હતી, જેમાં ટિફિન ભરેલું જ હતું. આ દર્શાવે છે કે તેમણે જમવાનું લીધું નહોતું. બેગમાંથી સુરતથી વલસાડની ટ્રેન ટિકિટ અને આધારકાર્ડની ઝેરોક્ષ પણ મળી હતી, જેના આધારે તેમની ઓળખ થઈ હતી.વલસાડ સિટી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.