રિપોર્ટ@વલસાડ: વાપીમાં એક સાથે પાર્ક 200થી વધુ કાર પાણીમાં ગરકાવ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં વલસાડ અને નવસારી જિલ્લામાં પૂરની ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. ઉમરગામમાં 28 કલાકમાં 43 ઈંચ જેટલો રેકોર્ડબ્રેક વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડમાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટી ગયો છે. વહાનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને વાપી તથા આસપાસના વિસ્તારોમાં 200થી વધુ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
નવસારી જિલ્લામાં કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતૂર બનતાં પૂર્ણા નદીની સપાટી ભયજનક સ્તર વટાવી 24 ફૂટે પહોંચી છે, જેના કારણે શહેરનો 30% વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે. વાંસદાના ગંગપુરમાં બંધ રોડ ક્રોસ કરવા જતાં બાઈક તણાતાં બે યુવાનના મોતની દુઃખદ ઘટના પણ સામે આવી છે.
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને સીધું મોનિટરિંગ કરવા કલેક્ટર મનીષ ગુરુવાણી, પ્રભારી મંત્રી કનુ દેસાઈ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડિઝાસ્ટર કંટ્રોલરૂમ પહોંચ્યા હતા. હાલમાં NDRF અને SDRFની 3 ટીમ રાહત-બચાવ કામગીરીમાં તહેનાત છે, જ્યારે જરૂર પડ્યે એરલિફ્ટ કરવા માટે દમણ એરપોર્ટ પર કોસ્ટગાર્ડના 4 હેલિકોપ્ટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. પૂરના કારણે 1100થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેને પગલે આવતીકાલે તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજા જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને કટોકટીના સમયે ડિઝાસ્ટર કંટ્રોલરૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

