રિપોર્ટ@વિજાપુર: તબીબના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 21 લાખની કિંમતની 10 કિલો ચાંદીની ચોરી

ચોરી અંગે વિજાપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. વિજાપુરના મણિપુરા રોડ પર આવેલી મહેશ્વર સોસાયટીમાં રહેતા અને રામબાગ શોપિંગ સેન્ટરમાં ભાવિક ક્લિનિક ચલાવતા ડૉ. લાલભાઈ શાહના પત્ની મંગલાબેન શાહે પોતાના ઘરમાંથી મોટા પાયે ચાંદીની ચોરી અંગે વિજાપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દંપતીએ ચાંદીના વધી રહેલા ભાવને ધ્યાને રાખીને બેંક લોકરમાંથી ચાંદી વેચવાના ઈરાદે બહાર કાઢી હતી.

કબાટ તોડ્યા વગર જ ચાંદીની ચોરી

ગત તારીખ 2 માર્ચના રોજ તેઓ વિજાપુર નાગરિક બેંકના લોકર નંબર 735માંથી 5 કિલોનો એક ચાંદીનો ચોરસો તથા 500-500 ગ્રામના 10 ચોરસા મળી કુલ 10 કિલો ચાંદી પોતાના ઘરે લાવ્યા હતા અને બેડરૂમના લોખંડના કબાટમાં નીચેના ભાગે મૂકી હતી. ત્યારબાદ તારીખ 25 માર્ચે ચાંદી વેચવા માટે કબાટ ખોલતાં કબાટમાં મૂકેલી 10 કિલો ચાંદી ગાયબ જણાતાં દંપતી સ્તબ્ધ થઈ ગયું હતું. નવાઈની વાત એ છે કે, કબાટમાં ચાંદીની બાજુમાં જ રાખેલા આશરે રૂ. બે થી અઢી લાખ રોકડા સલામત પડ્યા હતા અને કબાટ પણ ક્યાંયથી તૂટેલું ન હતું.

અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધવામાં આવ્યો

ઘરમાં સફાઈકામ અને રસોઈકામ કરતા માણસો તથા અન્ય સ્થળે શોધખોળ કરવા છતાં કાઈ પત્તો ન મળતાં આખરે હાલની બજાર કિંમત મુજબ રૂ. 21,80,000ની ચોરી અંગે વિજાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.