રિપોર્ટ@સાબરકાંઠા: હિંસક જૂથ અથડામણ: 100થી વધુ વાહનમાં તોડફોડ-આગચંપી, 120 સામે ગુનો દાખલ, 8 લોકો ઇજાગ્રસ્ત

કેટલાક ઘરોના બારી-બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે.
 
રિપોર્ટ@સાબરકાંઠા: હિંસક જૂથ અથડામણ: 100થી વધુ વાહનમાં તોડફોડ-આગચંપી, 120 સામે ગુનો દાખલ, 8 લોકો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મજરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતાં સામસામે પથ્થરમારો થયો હતો. 8 લોકોને ઈજા પહોંચી હતી. આ અથડામણમાં કુલ 100 જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, કેટલાક ઘરોના બારી-બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે. એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે.

પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ સ્પષ્ટ થયો છે. ગામમાં આવેલા ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતાં વિવાદોમાંથી આ ઘર્ષણ સર્જાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, પરંતુ તેના પૂર્વે જ ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભારે જૂથ અથડામણ થઈ હતી.

ઘટનાની જાણ થતાં જ મોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે હિંમતનગરના DySP એ.કે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, હિંસા ફેલાવનારા 25થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. હાલમાં મજરા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસે બંને જૂથ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે

બે જૂથ સામસામે આવી જતાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ પરિસ્થિતિ વણસી ગઈ હતી. અસામાજિક તત્વોએ લાકડીઓ વડે મારામારી કરી હતી, ત્યાર બાદ ભારે પથ્થરમારો કર્યો હતો અને અનેક વાહનોમાં આગચંપી અને તોડફોડ કરી હતી.

આ અથડામણમાં કુલ 8 જેટલા લોકોને ઈજા પહોંચી છે. જેમાંથી 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હિંસામાં 26 કાર, 50થી વધુ બાઈક, 6 ટેમ્પો અને 3 ટ્રેક્ટરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અસામાજિક તત્વોએ 10 જેટલા મકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું.

ગ્રામપંચાયતના સદસ્ય જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલાં પણ નાનું છમકલું થયું હતું, બે દિવસ પહેલાં પણ થયું. જો કે, અમે તેને ગંભીરતાથી લીધું ન હતું. જો કે, કાલ રાત્રે નવ વાગ્યા પછી મોટી બબાલ થઇ હતી. એ લોકોએ પટેલોના ઘરે જઇ જઇને તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું. દિવાળીને લઇને જ બબાલ થઇ અને આ લોકોએ મોટું સ્વરૂપ આપી દીધું.

પ્રાંતિજના મજરા ગામે થયેલી જૂથ અથડામણ અંગે ગામના રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, એ લોકો વાઘબારસની આરતી કરી અને પટેલોના ઘરે ગયા અને સીધા નુકશાન કરવા જ માંડ્યા છે. જ્યાં જારના ગઠ્ઠામાં આગચાંપી અને પથ્થરમારો પણ કર્યો હતો. આખા ગામની અંદર 200-250 જેટલા પટેલોના ઘર છે ત્યાં નુકશાન પહોંચાડ્યું છે. એક વીડિયોમાં અમે જોયું કે સરપંચની મમ્મી પણ એ લોકો સાથે છે.

આ ઘટનાનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે, આ ભૈરવદાસ દાદના મંદિરનો વહીવટ એમને આપ્યો ત્યાંરથી આ સમસ્યા છે. પહેલાં મંદિરનો વહીવટ પટેલોના હાથે થતો હતો. પણ, ગઈ સાલ એ લોકોએ થોડો વિવાદ કરી અને ચાવી લઈ લીધી'તી એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ વિવાદ થયેલો નહીં. એ પછી આ લોકોને પૈસાની તૂટ પડે છે. પણ, પટેલો પૈસા ના આપે એટલે પ્રસંગ તૂટી પડે છે. આ લોકોને પૈસા જોઇએ છે અને પટેલો આપતાં નથી એટલે પૈસા લેવા માટે આ લોકોએ પટેલોને ટાર્ગેટ બનાવ્યા છે. દિવાળીમાં બે દિવસ ગરબા થાય છે પણ ગઇસાલથી પટેલો ત્યાં ગરબા ગાવા પણ જતાં નથી.

ગઇકાલે સાડા નવ વાગે આરતી પતાવી અને સીધા પટેલોને ટાર્ગેટ બનાવીને ઠોકવાનું ચાલુ કર્યું. પટેલો તો મંદિરે હતો પણ નહીં, બધા પોતપોતાના ઘરે હતા. જ્યાં જઇને સૌથી પહેલાં એ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો અને પછી આગ લગાવી.

રાકેશભાઈ પટેલ વધુમાં જણાવે છે કે, એ લોકોએ ગાડીઓ તોડી, મકાનોના કાચ ફોડી નાખ્યા. હાલ તો આ વાહનોમાં ખાસ્સું નુકશાન થયું છે. પેલી બાજુ પાછળના ભાગમાંય વાહમાં તોડ્યા છે. આમ તો એક જ ગાડી સળગાવી છે પણ નુકશાન બહું પહોંચાડ્યું છે. બીજું તો એમણે કેટલી ગાડીઓ તોડી તો હજી અંદાજ આવે પછી જ ખબર પડે.