રિપોર્ટ@વિસનગર: 5 શહીદોના પરિવારોને રૂ.10 લાખની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી

સમર્થ ડાયમંડ સ્થિત સંસ્કાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં રાષ્ટ્રપ્રેમ, સમર્પણ અને કૃતજ્ઞતાનો સંદેશ આપતો સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો હતો. સમર્થ ડાયમંડ સ્થિત સંસ્કાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશ માટે શહીદી વહોરનાર 5 વીર જવાનોના પરિવારજનોનું સન્માન કરી તેમને કુલ રૂ.10 લાખની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી.

રોટરી ક્લબ ઓફ વિસનગર અને જય જવાન નાગરિક સમિતિ, સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, લેફ્ટનન્ટ કર્નલ નીતિનકુમાર જોશી, APMC ચેરમેન જયંતીભાઈ, રાજુભાઈ, સમર્થ ડાયમંડના દશરથભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહમાં દેશની રક્ષા માટે બલિદાન આપનાર 5 વીર શહીદોના પરિવારજનોને ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે વિશેષ સન્માન કરાયું હતું અને દરેક શહીદ પરિવારને રૂ.2 લાખની સહાય અર્પણ કરાઇ હતી. આ ઉપરાંત, ભારતીય સેનામાં હાલ ફરજ બજાવી દેશની સરહદોની સુરક્ષા કરી રહેલા 2 જવાનોના પરિવારજનોનું પણ સન્માન કરી, તેમની દેશસેવા અને સમર્પણને બિરદાવ્યું હતું.

કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમ અને સૈનિકો પ્રત્યે આદરનો માહોલ જોવા મળ્યો હતો.

આયોજન પ્રોજેક્ટ કો-ચેરમેન શૈલેષભાઈ, રોટરી ક્લબ પ્રમુખ હિમાંશુભાઈ પંચાલ, પ્રોજેક્ટ ચેરમેન નીરવભાઈ પટેલ અને કો-ઓર્ડિનેટર હરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું.