રિપોર્ટ@વિસનગર: અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયાર વડે નીલગાયનું ગળુ કાપી હત્યા કરી

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર -નવાર કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે.  વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની સીમમાં કપાસના ખેતરમાં અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયાર વડે નીલગાયનું ગળુ કાપી હત્યા કરી નાંખી હતી. જેની જાણ થતાં જીવદયાપ્રેમીઅોમાં અબોલજીવના હત્યારાઅો સામે રોષ ભભૂકી ઊઠ્યો હતો. બનાવ અંગે રેન્જ ફોરેસ્ટ અોફિસરે વિસનગર તાલુકા પોલીસ મથકે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાન્ડુ ગામની સીમમાં માખણીપરા અાંટામાં કપાસના ખેતરમાં હત્યા કરાયેલ નીલગાયનો મૃતદેહ પડ્યો હોવાની જાણ ગામના ઠાકોર પ્રવિણજી સુરજજીઅે વિસનગર વન વિભાગને જાણ કરી હતી. જેને પગલે રેન્જ ફોરેસ્ટ અોફિસર રંજનબેન ચાૈધરી, વનપાલ હર્ષકુમાર ચાૈધરી વનરક્ષક સોહિલકુમાર ચાૈધરી સહિત વન વિભાગનો સ્ટાફ તેમજ વિસનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. તપાસમાં નીલગાયને કોઇ તિક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઘા મારી ગળુ કાપી હત્યા કરાઇ હોવાનું માલુમ પડ્યું હતું.

જ્યારે ઘટના સ્થળે ખેતરના શેઢા પાસેથી પલ્સર બાઇક (જીજે 02 ડીસી 8518) મળી અાવતાં પોલીસે તપાસના કામે કબજે લીધું હતું. નીલગાયનું જેતલવાસણા પશુચિકિત્સક દ્વારા પીઅેમ કરાવી તેની દફનવિધિ કરાઇ હતી. અા બનાવ અંગે રેન્જ ફોરેસ્ટ અોફિસરે તાલુકા પોલીસ મથકે ઇપીકો કલમ 9, 39, 50, 51, 52 અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 2(16), 2(20), 2(32), 2(38)અન્વયે ફરિયાદ નોંધાવી છે.