રિપોર્ટ@સુરત: 60 ફૂટ ઊંચા ઓવરબ્રિજથી પટકાતા મહિલાનું મોત, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાં અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર 28 વર્ષીય એક મહિલાનો મૃતદેહ બ્રિજથી આશરે 60 ફૂટ નીચેથી મળી આવ્યો છે. ઘટનાસ્થળે બ્રિજ પરથી એક OLA મોપેડ પણ મળી આવતાં, મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ અકસ્માત સર્જાયો છે, તે અંગેનું રહસ્ય ઘેરું બન્યું છે. હાલમાં મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ઉંડાણપૂર્વક તસાપ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અણુવ્રતદ્વાર વિસ્તાર પાસેના ઓવરબ્રિજ પરથી એક OLA મોપેડ મળી આવી હતી. જ્યારે બ્રિજથી 60 ફૂટ નીચે એક 28 વર્ષીય ઉષા જૈન નામની મહિલા ગંભીર હાલતમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. અણુવ્રતદ્વાર પાસે ફરજ પર હાજર TRB જવાનની નજર આ ઘટના પર પડતાં તેણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. TRB જવાનની મદદથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી.
બ્રિજ પરથી OLA ગાડી મળી આવતાં ટ્રાફિક પોલીસે સૌપ્રથમ મહિલાના પર્સના ડોક્યુમેન્ટ આધારે ગાડીના પરિવારજનોને જાણ કરી હતી. જોકે, મહિલાનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે એક મોટો સવાલ છે. મૃતક મહિલા ઉષા જૈને બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી છે કેમ? અથવા ઓવરબ્રિજ પર કોઈ અકસ્માત સર્જાતા તે નીચે પટકાયા છે કે કેમ? આ બંને શક્યતાઓ અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે OLA ગાડી અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય ઉષા જૈનનું ઉપરથી નીચે પટકાવવાને લઈને માથામાં ગંભીર ઇજાઓથી મોત નીપજ્યું હતું. સુરતના વેસુ વિસ્તારમાં 28 વર્ષીય ઉષા હેમંતભાઈ જૈન પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ, દીકરો અને દીકરી છે. પતિ કાપડ માર્કેટમાં વેપારી તરીકે કામ કરે છે અને ઉષાબેન વેસુ વિસ્તારમાં જ કાફે ચલાવતા હતા. ઉષાબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આ સાથે તેમનું મોત કઈ રીતે થયું તેને લઈને પણ મૂંઝવણમાં છે.

