રીઝલ્ટ@ગુજરાત: 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, જાણો વધુ વિગતવાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકોની મતગણતરીનો પ્રારંભ થયા બાદ એક બાદ એક વોર્ડના પરિણામ જાહેર થવા લાગ્યા છે. 15 મહાનગરપાલિકામાં કોની સત્તા?, બપોરે 1 વાગ્યા સુધીમાં ફેંસલો થશે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભાએ હારનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષ અને સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં 30 વર્ષથી એકહથ્થુ શાસન કરતી ભાજપનો દબદબો યથાવત રહે છે કે, આપ-કોંગ્રેસ ગાબડું પાડવામાં સફળ રહે છે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. 6 જૂની મહાનગરપાલિકા સિવાય જે નવી 9 મહાનગરપાલિકા બની છે તેના પરિણામ પણ મહત્વના બની રહેવાના છે. તમે અહીં 15 મહાનગરપાલિકાની 1001 બેઠકની મતગણતરીનું પળેપળનું અપડેટ અને સૌથી ઝડપી વોર્ડ વાઈઝ વિજેતા ઉમેદવારના ફોટો સાથેનું રિઝલ્ટ જોઈ શકશો.
15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ થયો છે.
આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SIRની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ છે. SIRના કારણે મતદાનમાં વધારો થવાનો જે અંદાજ હતો તે થયો નથી. તો બીજી તરફ અલગ અલગ કારણોસર 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ છે જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું છે.

