ઘટસ્ફોટ@ઝાલોદ: રજીસ્ટ્રાર કચેરી લાગી તપાસમાં, ગંજબજારમાં કરોડોના ભ્રષ્ટાચારની અરજીમાં કોણે શું કહ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઝાલોદ માર્કેટયાર્ડના સત્તાધીશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતી સત્તાની સાઠમારી અને વહીવટમાં કથિત ભ્રષ્ટાચાર સામે બચાવની ગતિવિધિ બહાર આવી ગઈ છે. ઘણા સમયથી ખુદ વાઈસ ચેરમેન જ ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વહીવટ વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો કરી ચોંકાવનારા સવાલો ઉભા કરી રહ્યા છે. આ આક્ષેપ નાના અને સામાન્ય નહિ પરંતુ કરોડોના હોવાનું અને ચેરમેન કમ ધારાસભ્ય મહેશ ભુરિયા વિરુદ્ધ હોવાથી ખળભળાટ મચી ગયો છે. ગત દિવસે વિડિયો વાયરલ કરી વિજય કોળીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ ખેલી જગજાહેર આવી સનસનીખેજ આક્ષેપો રજૂ કરી દીધા છે. આથી આક્ષેપો મામલે ઉંડાણમાં જતાં જાણવા મળ્યું કે, દાહોદ જિલ્લા સહકારી રજીસ્ટ્રાર કચેરીમાં ઘણા સમયથી આવેલી ફરિયાદ હજુ હવે તપાસ હેઠળ મુકાઇ છે. જ્યારે આ તરફ ઝાલોદ એપીએમસીના સેક્રેટરી અને ચેરમેન એવા ધારાસભ્ય મહેશ ભુરિયાએ શું કહ્યું તે સહિતનો રીપોર્ટ વાંચો નીચેના ફકરામાં એટલે કંઈક ચિત્ર સ્પષ્ટ થશે.
દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે અને અહિં ભાજપી વિચારધારાના નેતાઓની સત્તા છે. ચેરમેન મહેશ ભુરિયા અહીંની વિધાનસભાના ભાજપ પાર્ટી તરફથી ધારાસભ્ય પણ છે. જ્યારે વાઈસ ચેરમેન પણ ભાજપી વિચારધારાના વિજય કોળી છે ત્યારે વહીવટ સહકારી અને રાજકીય રૂએ ચાલતો હશે તેવું મનાતું હતુ. જોકે ગઈકાલે અચાનક વાઈસ ચેરમેન વિજય કોળીનો ઝાલોદ માર્કેટયાર્ડમાં કરોડોના ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદનો વિડિયો આવતાં ચકચાર મચી ગઇ છે. આ બાબતે અમોએ વાઈસ ચેરમેન વિજય કોળીને પૂછતાં જણાવ્યું કે, ઘણા સમયથી જીલ્લા રજીસ્ટ્રારથી માંડી રાજ્ય સરકારમાં રજૂઆત કરી રહ્યો પરંતુ ચેરમેન પોતાને સરકાર કહી રહ્યા છે. આ તરફ હકીકતમાં આવી કોઈ અરજી છે કે કેમ તે પૂછતાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના ઉમેશ રાઠોડે જણાવ્યું કે, મારી પાસે હજુ હમણાં જ તપાસ આવી છે એટલે મંગળવારથી અરજી આધારે તપાસ હાથ ધરવામાં આવશે. આ તરફ ઝાલોદ એપીએમસીના સેક્રેટરી પંચાલે જણાવ્યું કે, એવું કંઈ નથી તમે રૂબરૂ મળજો. જોકે આક્ષેપ મામલે ચેરમેન મહેશ ભુરિયાને હજુ સવાલ કરીએ તે પહેલાં જણાવ્યું કે, આક્ષેપ કરનાર પુરાવા આપે તો જાહેર જીવન છોડી દઉં. આવી સ્થિતિમાં મામલો અત્યંત રસપ્રદ અને રોચક બનતો જાય છે. વાંચો નીચેના ફકરામાં કેવીરીતે સત્ય બહાર આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લા રજિસ્ટ્રારની તપાસ ટીમ સૌપ્રથમ તો આક્ષેપ કરનાર વાઇસ ચેરમેનનું નિવેદન લેશે અને ત્યારબાદ એપીએમસીમાંથી રેકર્ડ આધારિત કાગળો મેળવી સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી દસ્તાવેજ બાબતે વિગતો મેળવશે. બધી જ વિગતો મેળવી આક્ષેપ મુજબ ઠરાવ મુજબ દસ્તાવેજો થયા છે કે કેમ ? ઝાલોદ માર્કેટયાર્ડને આર્થિક નુકસાની આપી છે કે કેમ ? તેમજ કોઈપણ માર્કેટયાર્ડમાં ખુલ્લા પ્લોટના વેચાણ/હરાજી બાબતે સહકારી કાયદાની જોગવાઇનો ભંગ છે કે કેમ તેની ખાત્રી કરશે. આ તમામ પ્રક્રિયા જો સંપૂર્ણ પારદર્શક અને તટસ્થ રહેશે તો સત્ય બહાર આવતાં કોઈ રોકી શકશે નહિ.