દુ:ખદ@અમદાવાદ: ગુજરાતી સાહિત્યને મોટી ખોટ: કવિ રાજેન્દ્ર શુક્લનું નિધન

હાર્ટની સારવાર દરમિયાન 84ની વયે અંતિમ શ્વાસ લીધા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતી સાહિત્ય જગત માટે અત્યંત દુઃખદ સમાચાર છે. જાણીતા કવિ, ગઝલકાર અને વિવેચક *રાજેન્દ્ર શુક્લનું* આજે 84 વર્ષની વયે નિધન થયું છે.છેલ્લા બે-ત્રણ દિવસથી હાર્ટની તકલીફને કારણે અમદાવાદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

*કોણ હતા રાજેન્દ્ર શુક્લ?*

રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઓક્ટોબર, 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો.તેમણે અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે એમ.એ.ની પદવી મેળવી હતી. વર્ષ 1982 સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યા બાદ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પૂર્ણપણે કાવ્યસર્જનને જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.તેમના પત્ની નયના જાની પણ જાણીતા ગુજરાતી કવયિત્રી છે.

*ગુજરાતી ગઝલને નવી દિશા આપી*

ગુજરાતી ગઝલમાં સંસ્કૃત અને તળપદી ભાષાના અનોખા સમન્વય અને આધ્યાત્મિક ઊંડાણ માટે રાજેન્દ્ર શુક્લ વિશેષ જાણીતા હતા.

તેમના મુખ્ય કાવ્યસંગ્રહોમાં 'કોમલ રિષભ' (1970), દીર્ઘકાવ્ય 'સ્વવાચકની શોધ' (1972) અને લોકપ્રિય સંગ્રહ 'અંતર ગાંધાર' (1981) નો સમાવેશ થાય છે.

તેમની 30 વર્ષની ગઝલયાત્રાને સમાવતો પાંચ ભાગનો બૃહદ ગ્રંથ *'ગઝલસંહિતા' (2005)* ગુજરાતી સાહિત્યની અમૂલ્ય મૂડી ગણાય છે.

*મળેલા મુખ્ય સન્માનો*

- રણજિતરામ સુવર્ણચંદ્રક - 2006

- નરસિંહ મહેતા એવોર્ડ - 2006

- રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2007, 'ગઝલસંહિતા' માટે

- નર્મદ સુવર્ણચંદ્રક - 2008

- વલી ગુજરાતી ગઝલ એવોર્ડ - 2009

*સ્મશાનયાત્રા આજે સાંજે 6 વાગ્યે*

આજે સાંજે 6 વાગ્યે તેમના નિવાસસ્થાનથી થલતેજ સ્મશાન સુધી સ્મશાનયાત્રા નીકળશે.

તેમના નિધનથી સાહિત્ય જગત, વાચકો અને ચાહકોમાં શોકની લહેર ફરી વળી છે. દેહ છોડ્યો, પરંતુ શબ્દો અને સર્જનની ઐતિહાસિક વિરાસત મૂકતા ગયા.

*🙏 ૐ શાંતિ 🙏*

*અટલ સમાચાર પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ