દુ:ખદ@સુરત: ધોરણ 5માં અભ્યાસ કરતી દીકરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે.સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પરિવારની ધોરણ 5માં અભ્યાસ કરતી દીકરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. માતાપિતા જ્યારે કામ માટે બહાર ગયા હતા ત્યારે જ પાછળથી માસૂમ દીકરીએ અંતિમ પગલું ભરી લીધું. આટલી નાની ઉંમરમાં બાળકીએ આપઘાત શા માટે કર્યો? તેનું કારણ અકબંધ હોય પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના વરાછાની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિજય કુશવાહને સંતાનોમાં 3 દીકરીઓ અને 1 દીકરો છે. વિજય અને તેના પત્ની કામ પર ગયા હતા ત્યારે ચારેય બાળકો ઘર પર જ હતા. સાંજના સમયે બાળકોને ટ્યુશન જવાનું હોય તેઓને મૂકવા માટે માતા ઘર પર આવ્યા. પરંતુ, ઘરનો દરવાજો અંદરથી બંધ હોય અને ખુલતો ન હોય પાડોશીઓને બોલાવી તોડવામાં આવ્યો.
દરવાજો ખુલતા જ ધોરણમાં 5માં ભણતી રોલી કપડા સૂકવવાની દોરી પર લટકતી હાલતમાં જોવા મળી. બાળકીને તાત્કાલીક નીચે ઉતારવામાં આવી પરંતુ, ત્યાં સુધીમાં તેનો જીવ જઈ ચૂક્યો હતો.
મૃતકના પિતા વિજયે જણાવ્યું કે, હું અને મારી પત્ની દરરોજની માફક કામ પર ગયા હતા. ચારેય સંતાનો ઘર પર જ હતા. અમારી ગેરહાજરીમાં દીકરીએ આવું પગલું શા માટે ભરી લીધું તે અમને સમજાતું નથી.
આ પ્રશ્નને જવાબ જાણવા ભાસ્કરે નવી સિવિલના માનસિક રોગ વિભાગના સહપ્રાધ્યાપક ડો. કમલેશ દવે સાથે વાત કરી.તેઓએ જણાવ્યું કે, કિશોરાવસ્થા અને બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. બીમારીઓ વધવાના કારણે ડિપ્રેશન વધી રહ્યું છે, ચિંતારોગ વધી રહ્યા છે,ADHD બીમારી વધી રહી છે અને તેના કારણે બાળકો આવેગાત્મક પગલાં ભરી લેતા હોય છે.

